નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં સજા સંભળાવનાર સુરત કોર્ટના જજ હરીશ વર્માની બઢતીનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હકીકતમાં, તાજેતરમાં સુરત કોર્ટના જજ હરીશ વર્માને રાજકોટના એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વિભાગમાં 68 જજોની બદલી અને બઢતી આપવામાં આવી હતી.
ADVERTISEMENT
આ અરજી પર 8મી મેએ થશે સુનાવણી
હવે જજ હરીશ વર્મા સહિત તમામ 68 ન્યાયધીશના પ્રમોશનને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. જસ્ટિસ એમ.આર.શાહની અધ્યક્ષતાવાળી બેંચ 8મી મેના રોજ સુનાવણી કરશે.
શું કારણ આપીને બઢતીને પડકારવામાં આવી?
વાસ્તવમાં આ 68 જજોને 65% ક્વોટાના નિયમના આધારે બઢતી આપવામાં આવી છે, જેને સિનિયર સિવિલ જજ કેડરના રવિકુમાર મહેતા, સચિન પ્રતાપરાય મહેતા દ્વારા પડકારવામાં આવ્યો છે. પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 10 માર્ચના રોજ બહાર પાડવામાં આવેલી યાદી અને રાજ્ય સરકાર દ્વારા તેમની નિમણૂકના જાહેરનામાને રદ્દ કરવાના નિર્દેશની માગણી કરવામાં આવી છે.આ ઉપરાંત અરજીમાં ગુજરાત હાઈકોર્ટને નિયુક્તિ માટે યોગ્યતા અને સિનિયોરિટીના આધારે નવા યાદી જાહેર કરવા નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે.
રાહુલને માનહાનિના કેસમાં સજા ફટકારવામાં આવી હતી
નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે બધા ચોરોની અટક મોદી કેમ છે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો.
ચાર વર્ષ બાદ 23 માર્ચે સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની સજા ફટકારી હતી. આ નિર્ણય સામે રાહુલે સેશન્સ કોર્ટમાં અરજી કરી છે. જોકે, રાહુલને સેશન્સ કોર્ટમાંથી પણ રાહત મળી નથી. હવે આ મામલો ગુજરાત હાઈકોર્ટમાં છે.
ADVERTISEMENT