Gujarat Tourist Places: ગુજરાતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. પર્યટનની દ્રષ્ટિએ ગુજરાતમાં હિલ સ્ટેશન, દરિયા કિનારો, વિશ્વભરમાં જાણીતા મંદિરો અને વન અભ્યારણો છે, જેને જોવા માટે દેશ જ નહીં પરંતુ દુનિયાભરમાંથી પર્યટકો આવતા હોય છે. ત્યારે જો તમે પણ આગામી ઉનાળું વેકેશનમાં બાળકો સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો અમે તેમને ગુજરાતમાં ફરવા લાયક કેટલાક સ્થળોની માહિતી આપી રહ્યા છીએ.
ADVERTISEMENT
શિવરાજપુર બીચ
ગુજરાતના શિવરાજપુર બીચને બ્લુ બીચનો ટેગ મળેલો છે. દ્વારકાના રૂકમણી મંદિરથી થોડા કિલોમીટર જ દૂર આવેલો શિવરાજપુર બીચ પક્ષી અને દરિયાઈ જીવો નિહાળવા માટે ઉત્તમ છે. અહીં તમે વોટર રાઈડ્સ અને સ્કૂબા ડાઈવિંગનો પણ આનંદ માણી શકો છો. સાથે જ નજીકમાં દ્વારકા મંદિરની પણ મુલાકાત લઈ શકો છો.
સાસણ ગીર અભ્યારણ
સાસણ ગીર અભ્યારણ એશિયાટીક સિંહોનું એકમાત્ર નિવાસ સ્થાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવે છે. અહીં સિંહની સાથે સાથે પ્રવાસીઓને અન્ય પ્રાણી તથા પક્ષીઓ પણ જોવા મળે છે. સાસણ ગીર જવા માટે જૂનાગઢથી મેંદરડા થઈને જઈ શકાય છે. આ સાથે જૂનાગઢની પણ મુલાકાત લઈ શકાય છે. અહીં ગિરનાર પર્વત, સક્કરબાગ ઝૂ, ઉપરકોટનો કિલ્લો સહિતના પ્રવાસન સ્થળો છે. અહીં તમે બાળકોને રોપ વેમાં બેસાડીને પણ ગિરનાર પર જઈ શકો છો.
સોમનાથ મંદિર
સોમનાથ મહાદેવ મંદિર ગુજરાતના ધાર્મિક સ્થાનોમાંથી એક છે. આ સ્થળ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. અહીંના મંદિર વિશે ઘણી પૌરાણિક કથાઓ પ્રચલિક છે. આ મંદિરમાં બાળકો સાથે વડીલો પણ જઈને ભગવાન શિવના જ્યોતિર્લિંગના દર્શન કરીને ધન્યતા અનુભવી શકે છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટી
કેવડિયા ખાતે દેશના લોખંડી પુરુષ સરદાર પટેલના સ્ટેચ્યૂ ઓફ યુનિટીને જોવા માટે દેશ જ નહીં વિદેશમાં પણ મુલાકાતીઓ આવે છે. 182 મીટર ઊંચું આ સ્ટેચ્યુની અંદર વ્યૂઈંગ ગેલેરીમાંથી નર્મદા ડેમનો આહલાદક નજારો જોવા જેવો છે. અહીં આ ઉપરાંત કેક્ટસ ગાર્ડન, જંગલ સફારી, ચિલ્ડ્રન પાર્ક તથા આરોગ્ય વન જેવા પણ ઘણા સ્થળો છે જેની મુલાકાત લઈ શકાય છે.
ADVERTISEMENT