હેતાલી શાહ.નડિયાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચુક્યું છે અને એવામાં આજે કોંગ્રેસે આખરી ઉમેદવારોની યાદી જાહેર કરી છે. એવામાં કોંગ્રેસમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યું છે એવામાં આણંદ જિલ્લાની પેટલાદ બેઠક પર નારાજગીનો સૂર ઉઠ્યો છે. જેમાં સતત ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચુકેલા જુના જોગીને કોંગ્રેસ ટિકિટ જાહેર કરે તે પહેલા જ તેમણે તુરંત કોંગ્રેસને પોતાનું રાજીનામુ મોકલી આપ્યું છે. આગામી સમયમાં આ બેઠકની કોંગ્રેસની બાજી બગડે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.
ADVERTISEMENT
કોંગ્રેસે ડો. પ્રકાશ પરમારને આપી ટિકિટ
વિધાનસભા બેઠક પર 2007 અને 2017માં નિરંજન પટેલ ચૂંટાઈ આવ્યા હતા. એ પહેલા 2002માં આ બેઠક બીજેપીના ફાળે ગઈ હતી અને બીજેપીમાંથી ચંદ્રકાંત પટેલ ચૂંટાયા હતા જ્યારે 1990થી 1998 દરમિયાન સતત ત્રણ ટર્મ નિરંજન પટેલ આ બેઠક પરથી ચૂંટાયા હતા. જેને લઈને આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અને ખાસ કરીને નિરંજન પટેલનું વર્ચસ્વ જોવા મળે છે. એવામાં કોંગ્રેસે આ વખતે પેટલાદ વિધાનસભા બેઠક ઉપર ઉમેદવાર બદલ્યા છે અને ડૉ પ્રકાશ પરમારને ટિકિટ આપી છે. જેને લઈને નિરંજન પટેલ નારાજ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે તેમને અંદાજો આવી ગયો હતો કે આ વખતે પેટલાદ વિધાનસભાની ટિકિટ નથી મળવાની નથી. જેને લઈને તેઓએ જ ભાજપમાં જોડાવાની વાત ફેલાવી કોંગ્રેસ પર પ્રેશર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, પરંતુ આ પ્રેશર ટેકનિક કામ ન આવી અને કોંગ્રેસે આખરે ઉમેદવાર બદલી લીધા. જેને લઈને આખરે નિરંજન પટેલે ટિકિટ જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને જેનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
નિરંજન પટેલના રાજીનામાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પેટલાદમાં રાજકારણ ગરમાયુ
નિરંજન પટેલ સાથે ગુજરાત તકની ટીમે ટેલીફોનીક વાત કરી ત્યારે નિરંજન પટેલે જણાવ્યું કે, ” ટિકિટના કારણે નહી પરંતુ પાર્ટીનો જે વ્યવહાર, એક સિનિયર ધારાસભ્ય જોડે હોવો જોઈએ એ વ્યવહાર કરી શક્યા નથી. જે રીતે પોલિટિક્સની અંદર પ્રથા હોય છે એ પ્રથાની પણ અવગણના કરવામાં આવી છે. જેના લઈને નારાજ થઈને મેં પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. હું ચૂંટણી લડવાનો પણ નથી અને કોઈ પક્ષમાં જોડાવાનો પણ નથી.
મહત્વનું છે કે એક તરફ ભાજપ આણંદ જિલ્લાની સાતે સાત વિધાનસભા બેઠક જીતવાનો દાવો કરી રહ્યું છે અને જે જે બેઠક પર ભાજપ કાચું પડી રહ્યું છે, ત્યાં ત્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી,આર.પાટીલ સહિતના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે હવે નિરંજન પટેલની નારાજગી આ બેઠક ભાજપના ફાળે લાવે છે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે.
ADVERTISEMENT