નવરાત્રીમાં આખી રાત ગરબા ચાલુ રાખવા સામે તાત્કાલિક સ્ટેની માંગ, હાઈકોર્ટમાં ગૃહમંત્રી સામે અરજી થઈ

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન આખી રાત ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈને વિવાદ થયો છે અને આ મામલો હવે હાઈકોર્ટ…

gujarattak
follow google news

Navratri 2023: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન આખી રાત ગરબા ચાલુ રાખી શકાશે તેવા ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિવેદનને લઈને વિવાદ થયો છે અને આ મામલો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે. મંગળવારે મોડે સુધી ગરબા ચાલશે તો પોલીસ દખલ નહીં કરે તેવી મૌખિક સૂચના અપાઈ હોવાનું ગૃહ મંત્રીએ નિવેદન આપ્યું હતું. મોડી રાત સુધી ચાલતા ગરબાથી પરેશાન નાગરિકે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે.

12થી 6 લાઉડ સ્પીકરના ઉપયોગ પર સ્ટેની માંગ

ગુજરાત હાઈકોર્ટમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકર પર ગરબા રમવાની છૂટ સામે જાહેરહિતની અરજી કરવામાં આવી છે અને રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર, સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ પર તાત્કાલિક સ્ટે મૂકવા કહ્યું છે. સાથે જ અરજદાર દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા અન્યો સામે ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચૂકાદાનું જાણી જોઈને ઉલ્લંઘન કરવા બદલ કોર્ટના આદેશની અવમાનના કરવા હેઠળ કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

મોડી રાત્રે લાઉડ સ્પીકરથી પરેશાન થતા હોવાનો આરોપ

અરજદાર દ્વારા રજૂઆત કરાઈ છે કે, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના હુકમો છતાં પોલીસને કાર્યવાહી કરતા રોકવા અંગે ગૃહ મંત્રી સૂચના આપી શકે નહીં. ફરિયાદમાં મોડી રાત સુધી લાઉડ સ્પીકરોના કારણે પરેશાન થવાતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ મામલે હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો કોઈ નાગરિક 12 વાગ્યા પછી વાગતા લાઉડ સ્પીકર બાબતે ફરિયાદ કરશે તો પોલીસે કાર્યવાહી કરવી પડશે.

ગરબા ઓર્ગેનાઈઝર્સ સામે FIR કરી શકે નાગરિક

કોર્ટેમાં વધુમાં કહ્યું, અગાઉ જે હુકમો પસાર થયા છે તેના પાલનની જવાબદારી પોલીસ વિભાગની જ છે. નાગરિક ફરિયાદ કરશે તો બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર પર ગરબા ચાલી શકશે નહીં. 12 વાગ્યા બાદ સ્પીકરના કારણે થતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે અગાઉ નિર્દેશો અપાયેલા હોવાની બાબત કોર્ટે સ્પષ્ટ કરી. નાગરિક ઈચ્છે તો આવા ગરબા ઓર્ગેનાઇઝર્સ સામે એફઆઇઆર દાખલ કરાવી શકશે.

    follow whatsapp