શાર્દુલ ગજ્જર/હાલોલ: આજકાલના યુવાનોમાં વધી રહેલા મોબાઈલના વળગણમાં સેલ્ફીનું દૂષણ વધી રહ્યું છે. સેલ્ફીના ચક્કરમાં યુવાઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને જીવ ગુમાવ્યાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢમાં પણ આ રીતે સેલ્ફી લેવા જતા 22 વર્ષનો એક યુવક 50 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો હોવાની વિગતો મળી રહી છે. જોકે પોલીસ અને 108ની ટીમ દ્વારા યુવકનું દિલધડક રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સેલ્ફી લેવા જતા યુવક ખાડામાં પડ્યો
મળતી માહિતી મુજબ, સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ભદ્રકાળી માતાજીના મંદિર તરફ જવાના રસ્તામાં ટંકશાળ પાસે ફોટો પાડવા જતા એક યુવક ખાડામાં ખાબક્યો હતો. સ્મિત પંડ્યા નામના યુવક દ્વારા એક યુવક ખાડામાં પડ્યો હોવાની સ્થાનિક પાવાગઢ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાવાગઢ પોલીસ, ફાયર ફાઇટર ટીમ અને 108 ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અંદાજીત પચાસ ફૂટ ઊંડા ખાડામાં પડેલ ગૌરવ દવેનું દિલધક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ અને યુવકને સહીસલામત રીતે બહાર કાઢી 108 દ્વારા સારવાર અર્થે હોસ્ટપિટલ ખસેડવામાં આવ્યો હતો.
વડોદરાના યુવકનું રેસ્ક્યુ કરાયું
ખાડામાં પડેલો યુવક ગૌરવ દવે મૂળ વડોદરાનો રહેવાસી હોવાની વિગતો મળી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા આ ઘટનાને પગલે આર્કીયોલોજી વિભાગ દ્વારા 50 ફૂટ ઊંડા ખાડા પર લોખંડની જાળી ના મારવાના કારણે આ ઘટના બની હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું આ ઘટના બાદ પણ તંત્ર ઘોર નિદ્રામાંથી જાગશે કે પછી આંખ આડા કાન કરશે.
ADVERTISEMENT