પાવાગઢઃ પંચ મહોત્સવમાં પાંખી હાજરી પછી પાસ વગર એન્ટ્રીનો નિર્ણય, ઉજવણીના ખર્ચા પડ્યા માથે

ગોધરાઃ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વડા તળાવ સાઈડ ઉપર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે અત્રે ઉજવાતો પંચમહોત્સવ બે…

gujarattak
follow google news

ગોધરાઃ પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢના વડા તળાવ સાઈડ ઉપર ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોના મહામારીને કારણે અત્રે ઉજવાતો પંચમહોત્સવ બે વર્ષ યોજાયો ન હતો. બે વર્ષ બાદ પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી દ્વારા છઠ્ઠા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે આ મહોત્સવમાં લોકોની સંખ્યા ઓછી જોવા મળતા તંત્ર દ્વારા પાસને મરજિયાત કરી દેવાયા છે. સાથે જ લોકોને વધુને વધુ જોડાઈ મહોત્સવને સફળ બનાવવા અપીલ કરી છે. જોકે લોકોની પાંખી હાજરી કેમ છે તે જાણવામાં તંત્ર પણ ગોથા ખાઈ ગયું છે, શું ઠંડીના વાતાવરણને કારણે કે પછી ફરી કોરોનાના ઊભા થયેલા હાઉને કારણે, કે પછી કાર્યક્રમોમાં હવે કોઈને રસ નથી, જોકે કયા કારણો છે તે હાલ પણ જાણી શકાયું નથી ત્યારે તંત્ર માટે લોકોની પાંખી હાજરી કાર્યક્રમની નિષ્ફળતા બધું જ ચિંતાનો વિષય બન્યું છે.

મહોત્સવ અંગે
25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી ચાલનાર પંચ મહોત્સવમાં રાત્રી દરમ્યાન વિવિધ રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સતત પાંચ વર્ષ સુધી ઉજવવામાં આવેલા આ પંચમહોત્સવ કાર્યક્રમમાં અનેક ખ્યાતનામ કલાકારો સાથે સ્થાનિક કલાકારોએ અત્રે 2015 થી 2019 સુધી યોજાયેલા પંચમહોત્સવમાં લોકોને મનોરંજન પૂરું પાડ્યું છે. 2020 અને 2021માં કોરોના મહામારીને કારણે અહીં પંચમહોત્સવ યોજવામાં આવ્યો ન હતો, પરંતુ ચાલુ વર્ષે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી છઠ્ઠો પંચમહોત્સવ રંગેચંગે ઉજવવાનું આયોજન કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા સાત દિવસના રાત્રી કાર્યક્રમોમાં મનોરંજન પૂરું પાડનાર કલાકારોની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે એટલે કે 25મીએ ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી, 26મીએ હિમાલી વ્યાસ નાયક, 27મીએ ઉર્વશી રાદડિયા, 28 ડિસેમ્બરે ધર્મેશ બારોટ અને અભિતા પટેલના કાર્યક્રમો આયોજીત કરવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે. જોકે બે દિવસમાં લોકોની હાજરી અહીં ઓછી જોવા મળી હતી. જેના કારણે પાસ વગર પણ એન્ટ્રી થઈ શકશે તેવો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસે જતા હોવ તો જાણી લો, હવે માસ્ક ફરજિયાત, જાણો બીજું પણ
ભાવનગરઃ વકીલે યોગ્ય વાહન પાર્ક ન કરતા પોલીસ સાથે થઈ બબાલ ચોડી દીધા ચાર લાફા, વકીલો નારાજ
GUJARAT માં COVID ના કેટલા અને ક્યાં કેસ નોંધાયા? કયા જિલ્લામાં કેટલા કેસ

(વીથ ઈનપુટઃ શાર્દૂલ ગજ્જર.ગોધરા)

    follow whatsapp