અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં આરોપ પ્રત્યારોપની રાજનીતિ અને જીતના દાવાઓ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે વિજાપુરના વસાઈમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે આપણે કાર્યકર્તા તરીકે ભૂલો કરતા હોઈએ છીએ પરંતુ મતદારો આવી ભૂલોને બાજુમાં મૂકીને ભાજપને મત આપે છે.
ADVERTISEMENT
વિજાપુરના વસાઈમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલના સંબોધનમાં ઓવર કોન્ફિડન્સ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસમાં ગૂંગળામણ થાય અને લાગે કે સેવા બંધ થઈ ગઈ છે એવું લાગે એટલે એવા લોકો ભાજપમાં જોડાય છે. ટાઇટેનિક ડૂબવાની તૈયારી હોય એટલે અમુક લોકો પોતાની જગ્યા શોધી લેતા હોય છે.
ભાજપ વિજય તરફ
એક સમય હતો એક બૂથમાં 10 કાર્યકર્તા મળવા જોઈએ. ત્યારે એમ થતું કે ભયો ભયો થઈ ગયો. આપણે કાર્યકર્તા તરીકે ભૂલો કરતા હોઈએ છીએ. પણ મતદારો આવી ભૂલોને બાજુમાં મૂકી ને ભાજપને મત આપે છે. લોકોની અપેક્ષા પૂરી કરવા સતત અમારે જાગવું પડે છે. ભાજપના 1.14 કરોડ પ્રાથમિક સદસ્ય છે. ભાજપ જ્વલંત વિજય તરફ આગળ વધી રહી છે. હું 2019 મા ચુંટણી લડ્યો ત્યારે દેશમાં પ્રથમ નંબરે રહ્યો હતો. પેજ કમિટીની સિસ્ટમ ઉપર ભરોસો કરજો. જેટલી સીટો જીતવા માંગીએ છીએ તે 50,000 થી વધુની લીડ સાથે જીતીશું.
કોંગ્રેસે ખેડૂતોને ફૂટી કોડી પણ આપી નથી
ગુજરાતએ વિકાસશીલ ગુજરાત છે. એક સમય હતો કે કોંગ્રેસ મોટી પાર્ટી હતી જે આજે સંકોચાઈ ગઈ છે. રાજસ્થાન સિવાય બધે ક્લીન બોલ્ડ થઈ ગઈ છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી બની ગઈ છે. ભાજપમાં જોડાતા કોંગ્રેસના આગેવાનો આ પરિવાર વાદથી કંટાળી ભાજપમાં આવી જાય છે. દેશના સૈનિકોને આધુનિક શસ્ત્રો આપવાની જવાબદારી દેશના વડાપ્રધાન લઈ શકે છે. યોજનાઓ બનાવવી અને તેનો લાભ લોકો સુધી પહોંચાડવો એ નરેન્દ્ર મોદી સમજે છે. કોંગ્રેસે ખેડૂતોને ફૂટી કોડી પણ આપી નથી અત્યાર સુધી.
આલીયા માલિયાને અહી કોઈ સ્થાન નથી
અહી જે આલિયા-માલીયા આવે છે એને પ્રશ્ન પૂછજો કે પાડોશી દેશ અડપલું કરે ત્યારે શું જોઈએ? ત્યારે નરેન્દ્ર મોદી જ જોઈએ, દેશની સુરક્ષાની ચિંતા નરેન્દ્ર મોદી કરે છે. દેશમાં કોરોના કાળ દરમ્યાન લોકો મોટી સંખ્યામાં મરી ગયા હોત તો અમુક લોકો એમ કહેત કે બીજા દેશો પાસે રસી માંગવી પડશે. આલીયા માલિયાને અહી કોઈ સ્થાન નથી. નરેન્દ્ર મોદી છે અહી બીજા કોઈને સ્થાન નથી.
ADVERTISEMENT