નર્મદા : ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેઓએ જણાવ્યું કે, પાટીદાર સંગઠન દરેક જિલ્લા અને તાલુકા સ્તરે અને ગ્રામ્ય સ્તર સુધી પહોંચે તે માટે હું દરેક જિલ્લાની મુલાકાત લઇ રહ્યો છું. સ્થાનિક પાટીદાર આગેવાનો, યુવાનો અને તમામને મળી રહ્યો છું. અમે નોન પોલિટિકલ સંગઠન બનાવી રહ્યા છીએ. જેનું સમગ્ર ગુજરાતમાં નેટવર્ક હશે. એકે એક ગામથી લઇને ગાંધીનગર સુધી આ સંગઠન સક્રિય રહેશે.
ADVERTISEMENT
હાલ કોઇ પણ પક્ષ નહી પરંતુ સમાજના ઉત્થાન માટે કામગીરી કરી રહ્યો છું
આ અંતર્ગત નર્મદા જિલ્લામાં આવેલા નરેશ પટેલે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન પણ કર્યા હતા. નર્મદા જિલ્લામાં જે વિકાસ થઈ રહ્યો છે તેને વેગ મળતો રહે તેવી પ્રાર્થના પણ નર્મદા મૈયાને કરી હતી. નર્મદા જિલ્લાનો પ્રવાસ સંગઠનના હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો.હું હાલ કોઇ પણ રાજકીય પક્ષ કે અન્ય કોઇ પણ રાજકીય રીતે સક્રિય નથી. હાલ મારૂ સંપુર્ણ ધ્યાન માત્ર અને માત્ર સમાજના ઉત્થાન પર જ છે તેવું પટેલે જણાવ્યું હતું.
પાટીદાર સમાજ કોઇ એક પક્ષનો ક્યારે પણ રહી શકે નહી
દરેક જિલ્લા અને તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠક કરવાનો હેતુ છે. સંગઠનને મજબૂત કારવાના ઉદ્દેશથી દરેક જિલ્લાની મુલાકાત લઇ રહ્યા હોવાનું પણ નરેશ પટેલે જણાવ્યું હતું. આગામી વિધાનસભા માટે કહ્યું કે, પાટીદાર સમાજ ભોળો સમાજ છે. દરેક પક્ષમાં ફેલાયેલો સમાજ છે. કોઈપણ વ્યક્તિને મત આપતા પહેલા તેનો સમાજ જોવાના બદલે તેનું વ્યક્તિત્વ જોવું જોઇએ. જો તે સારો વ્યક્તિ હોય તો પછી તે ગમે તે સમાજનો હોય કોઇ ફરક પડતો નથી. મત તેને જ આપવો જોઇએ. સારા ઉમેદવારો વિધાનસભામાં ચૂંટાયને આવે તો ગુજરાતનું ભલું થાય તેમ છે તેવી પણ માર્મિક ટકોર નરેશ પટેલે કરી હતી. પાટીદાર સમાજ એક પક્ષ સાથે રહે એવું કદી નહી બને તેવું પણ નરેશ પટેલે જણાવ્યું હતું.
(વિથ ઇનપુર નરેન્દ્ર પેપરવાલા)
ADVERTISEMENT