સાજિદ બેલિમ/સુરેન્દ્રનગર: રાજ્યમાં હાર્ટ એટેકના વધતા બનાવોથી લોકો ચિંતિત બન્યા છે. ગુજરાત જ નહીં દેશભરમાં હાર્ટ એટેકના વધતા બનાવોના કારણે આરોગ્ય મંત્રાલયે પણ ICMRને આ મામલે તપાસ કરવા કહ્યું છે. તો હવે સુરેન્દ્રનગરના પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોરનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું છે. અચાનક ભાજપના આગેવાનના નિધનની જાણ થતા ભાજપના ધારાસભ્યો સહિત આગેવાનો પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે દોડી આવ્યા હતા.
ADVERTISEMENT
હાથમાં દુઃખાવો થતા હોસ્પિટલ ગયા હતા
વિગતો મુજબ, પાટડીમાં શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર રાજુભાઈ ઠાકોર રાત્રે મિત્રો સાથે વાતો કર્યા બાદ મોડી રાત્રે ઘરે પહોંચતા તેમને હાથમાં દુઃખાવો શરૂ થયો હતો. આથી તેઓ બાઈક લઈને પાટડીની સરકારી હોસ્પિટલમાં દવા લેવા માટે ગયા હતા. જોકે હોસ્પિટલના બાકડે જ તેમને હ્રદયરોગનો હુમલો આવતા ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમનું મોત થઈ ગયું હતું.
નાની વયે મોત થતા પરિવારજનો આધાતમાં
રાજુભાઈના નિધનથી પરિવારજનો સહિત ગામના લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. માત્ર 39 વર્ષની નાની ઉંમરે જ હાર્ટ એટેકથી રાજુભાઈનું મોત થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. ઘટનાની જાણ થતા જ ભાજપના ધારાસભ્ય તથા અન્ય આગેવાનો ત્યાં દોડી ગયા હતા અને પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી.
ADVERTISEMENT