પાટણ: ગતિશીલ ગુજરાતમાં આજે પણ જાતિનું દૂષણ યથાવત છે. તાજેતરમાં બનાસકાંઠામાં નવા કપડા અને ચશ્મા પહેરવા પર યુવકને માર મરાયો હતો, ત્યારે હવે પાટણમાં ક્રિકેટ બોલને પકડવા જેવી સામાન્ય બાબતમાં દલિત યુવકને માર મારીને તેનો અંગુઠો કાપી નાખવામાં આવ્યો છે. હાલમાં આ યુવકને લોહીલુહાણ હાલતમાં અમદાવાદની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, જ્યાં તેના અંગૂઠાની પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવી છે. ત્યારે હુમલો કરનારા 6 શખ્સો સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે. બીજી તરફ MLA જીગ્નેશ મેવાણીએ આ મામલે આરોપીઓની 48 કલાકમાં અટકાયત ન થાય તો પાટણ બંધનું એલાન આપ્યું છે.
ADVERTISEMENT
ક્રિકેટ ટૂર્નામેન્ટમાં દલિત છોકરાએ બોલ આપતા યુવક ગુસ્સે થયો
વિગતો મુજબ, સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામમાં રહેતા ધીરજ વણકર રવિવારે સાંજે પોતાના ભત્રીજાનો જન્મદિવસ હોવાથી ગામની સ્કૂલના મેદાનમાં રમાતી ક્રિકેટ ટૂર્નામેન્ટ જોવા ગયા હતા. દરમિયાન ભત્રીજાએ જમીન પર પડેલો ટેનિસનો બોલ આપતા ગામના કુલદીપસિંહ રાજપૂતે ગુસ્સે થઈને તેને ધમકાવ્યો હતો. આથી ધીરજભાઈએ તેને ઠપકો આપ્યો હતો કે, છોકરાને શા કામ જેમ તેમ બોલો છો? આ પછી મેચ પુરી થતા તેમને એક વ્યક્તિનો ફોન આવ્યો અને કહ્યું કે, તુ બહુ ગરમી કરે છે, તને મારવા મેદાનમાં આવીએ છીએ. તું ત્યાં જ હાજર રહેજે.
સમાધાન કર્યા બાદ એકલા બેઠેલા યુવક પર હુમલો
આ બાદ ધીરજ સ્કૂની બહાર નજીકમાં પાણીના ટાંકા પાસે બેઠેલો હતો. આ વખતે આજુ-બાજુના ગામમાંથી રાજપૂત છોકરાઓ ગાડીઓ લઈને આવ્યા હતા. આ વખતે એકબીજા સાથે સમાધાન કર્યું હતું. જોકે બાદમાં ધીરજભાઈ તેમના મિત્ર સાથે મંદિરે જવા નીકળ્યા. ત્યારે સાંજે તેમના ભાઈ કીર્તિભાઈ સ્કૂલ પાસે ચાની લારીએ બેઠા હતા. આ વખતે સિદ્ધરાજ મામવાડા ઉર્ફે રાજદીપ દરબાર, જશવંતસિંહ રાજપૂત, ચકુભા લખમણજી, મહેન્દ્રસિંહ અને કુલદિપસિંહ રાજપૂત કારમાં આવ્યા અને ‘બહુ ગરમી કરે છે’ તેમ કહીને જાતિ વિષયક શબ્દો બોલી કીર્તિભાઈને હાથમાં તલમાર મારી હતી. જેમાં ડાબા હાથનો અંગૂઠો કપાઈ ગયો હતો. આ બાદ અન્ય લોકોએ ધોકા તથા ગડદા પાટુનો માર માર્યો અને ફરાર થઈ ગયા હતા.
અંગુઠાની સર્જરી માટે યુવકને અમદાવાદ ખસેડાયો
જેથી ઈજાગ્રસ્ત કીર્તિભાઈને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં તેમને પ્રાથમિક સારવાર બાદ અંગુઠાની પ્લાસ્ટિક સર્જરી માટે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તેમના ભાઈ ધીરજ વણકરે કાકોશી પોલીસ સ્ટેશનમાં તમામ હુમલોખોરો સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT