પાટણ: સોશિયલ મીડિયા પોસ્ટને લઈને બે જૂથોમાં ધિંગાણું, પાઈપ-ધારિયાથી હુમલામાં 6 લોકો ઈજાગ્રસ્ત

વિપિન પ્રજાપતિ/પાટણ: પાટણમાં આવેલા બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બાબતે રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી રહી છે. લોખંડની પાઈપ,…

gujarattak
follow google news

વિપિન પ્રજાપતિ/પાટણ: પાટણમાં આવેલા બાલીસણા ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ મૂકવા બાબતે રવિવારે રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી રહી છે. લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો વડે સામે સામે મારીમારીના બનાવ બાદ સવારથી અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ફરી ગામમાં કોઈ છમકલુ ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો જૂથ અથડામણમાં 12 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

જૂથ અથડામણમાં 6 લોકો ઈજાગ્રસ્ત
પાટણના બાલીસણા ગામમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા બાબતે બે જૂથો વચ્ચે સ્થિતિ વણસી હતી. જેમાં અલગ-અલગ સમાજના જૂથો વચ્ચે રાત્રે વિવાદ બાદ મારા મારી થઈ હતી. જેમાં બંને જૂથના લોકોએ એકબીજા પર હથિયાર અને લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. ઘટનામાં બંને જૂથના 6થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે ધારપુર તથા પાટણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગામમાં જૂથ અથડામણને પગલે LCB, SOG સહિતનો પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્ય છે અને ચુસ્તસુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બંને પક્ષો દ્વારા સામ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાતા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પોલીસ દ્વારા 12 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

અથડામણનો વીડિયો સામે આવ્યો
જૂથ અથડામણની સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, રાત્રે ગામમાં બે જૂથનું ટોળું ઊભું છે અને બોલાચાલી થઈ રહી છે. ઝઘડો થતા જોઈને આસપાસથી લોકો દોડીને ત્યાં આવી રહ્યા છે, થોડી વારમાં બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ જાય છે અને બંને જૂથના લોકો એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દે છે.

    follow whatsapp