પાટણ: બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ પર જ પાટણમાં ઘરના ગેટ આગળ માટી કેમ નાખી છે તેવી સામાન્ય બાબતે દલિત પોલીસ પરિવારને જાતિ સૂચક શબ્દો કહીને હુમલો કરાયાની ઘટના ઘટી છે. આ મામલે પોલીસકર્મી દ્વારા હુમલાખોરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. કોંગ્રસના MLA જીગ્નેશ મેવાણીએ આ મામલે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો પોલીસ જ હવે સુરક્ષિત નથી તો લોકોનું શું થશે?
ADVERTISEMENT
શું હતો સમગ્ર મામલો?
પાટણના સમીમાં આઈશ્રી નગરમાં મહેશ પરમાર નામના ASI પોતાના પરિવાર સાથે છેલ્લા 4 વર્ષથી ભાડે રહે છે. તેમની પત્ની સમી ખાતે સરકારી કોલેજમાં પ્રોફેસર છે અને તેનો સ્લીપ ડિસ્કની બીમારીથી પીડાતા હોવાથી છેલ્લા 7 મહિનાથી સીક લીવ પર છે. ગત 14મી એપ્રિલ તેમના ઘરના ગેટ આગળ આગળની લાઈનમાં રહેતા સોસાયટી માલિક જયંતી સિંધવે જાહેર રોડ પર માટી નખાવી હતી, જેના કારણે તેમની કાર બહાર નીકળી શકે એમ નહોતી. આથી તેઓ જયંતિભાઈના ઘરે માટી હટાવી લેવાનું કહેવા ગયા. ત્યારે અંદરથી સોસાયટી માલિકની પત્ની બહાર આવી અને જાતિ સૂચક શબ્દો કહીને ‘આ રસ્તો તારા બાપનો નથી, અહીંયા શું કરવા કહેવા આવ્યું છે. અમે ગમે ત્યાં માટી નાખીશું. તમારે જાતે રસ્તો કરી લેવાનો.’
ASIનું ટી-શર્ટ ફાડી માર માર્યો
ASI મહેશભાઈને બીમાર પત્નીને હોસ્પિટલ લઈ જવાની હોવાથી તેમણે ગમે તેમ પોતાની કાર બહાર કાઢી હતી અને કારને ગેટ આગળ મૂકીને પાકીડ લેવા ગયા અને કારમાં બેસવા જતા જયંતિભાઈ તથા તેમનો દીકરો અને 4 અજાણ્યા શખ્સો આવ્યા અને જાતિસૂચક શબ્દો અને ગાળો બોલવા લાગ્યા. ASIએ ગાળો બોલવાની ના પાડતા તેમનું કાઠલું પકડીને ટી-શર્ટ ફાડી નાખ્યું અને માર મારવામાં આવ્યા. પતિને બચાવવા પત્ની વચ્ચે આવતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. જેમાં તેમનો દાંત પણ તૂટી ગયો.
પાડોશી અને 4 અજાણ્યા ઈસમો સામે ફરિયાદ
આથી ASIના પત્ની દોડીને ઘરે ગયા અને ફોનમાં 100 નંબર ડાયલ કરીને પોલીસને જાણ કરી હતી. દરમિયાન પાડોશમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને પોલીસકર્મીને છોડાવ્યા હતા. જે બાદ જયંતિભાઈના પત્નીએ ત્યાં આવી ફરી ગાળો બોલી અને જાતિ વિષયક શબ્દો બોલીને મકાન ખાલી કરીને જતા રહેવાની ધમકી આપી દીધી હતી. સાથે જ ASIના મકાન માલિકને પણ દબાણ કરીને મકાન ખાલી કરાવી દેવા કહ્યું હતું. જે બાદ પોલીસે તમામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT