પાટણઃ પાટણના હારીજમાં હાર્દિક દેસાઈ નામના યુવકની ધોળા દિવસે હત્યા થઈ ગઈ છે. આ હત્યા પછી હત્યારાઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પ્રારંભીક રીતે મળી રહેલી વિગતો પ્રમાણે આ યુવકની હત્યા આંતરિક વિખવાદને કારણે થઈ છે. આ ઘટનામાં હાર્દિક ગંભીર રીતે ઘવાયો હતો. તે ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો. બનાવને પગલે સ્થાનીકોમાં ભારે ચકચાર મચી ગઈ છે. અહીં સુધી કે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા યુવકના ન્યાય માટે માગ કરી હતી અને સાથે જ સરકાર પર ચાબખા માર્યા હતા કે આ ગુજરાત કોણે બનાવ્યું.
ADVERTISEMENT
શું બની ઘટના
પાટણ જિલ્લાના વેપારી મથક હારીજમાં જુની અદાવતના કારણે ધોળા દિવસે દેસાઈ યુવકની હત્યાનો બનાવ બનતાં સનસનાટી મચી જવા પામી હતી. બનાવની મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના વેપારી મથક ગણાતા હારીજ શહેરમાં બુધવારના રોજ સબરી કોમ્પલેક્ષમાં ચા ની હોટલ ઉપર ચા પીવા બેઠેલાં હાર્દિક દેસાઈ નામના યુવક ઉપર માલધારી સમાજના બે યુવાનો એ જુની અદાવતનું વેર વાળવા છરી વડે ઉપરા છાપરી ઘા કરતાં લોહી લુહાણ હાલતમાં હાર્દિક દેસાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. હત્યાને અંજામ આપ્યા પછી બંન્ને માલધારી યુવાનો ફરાર થઈ ગયા હતા. હારીજના સબરી કોમ્પલેક્ષમાં ધોળા દિવસે સરેઆમ યુવકની અંગત અદાવતમાં કરાયેલી હત્યાના પગલે સનસનાટી મચી જવા પામી હતી.હત્યાની ઘટના CCTVમાં કેદ થઈ હોય પોલીસે ઘટના સ્થળે દોડી આવી હત્યા કરી ભાગી છુટેલા બંને માલધારી યુવાનોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
સરેઆમ હત્યા મામલે AAP નેતાએ ઉઠાવ્યા ગંભીર સવાલ
આ હત્યાની ઘટનાને લઈને આમ આદમી પાર્ટીનના નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાજપ સરકાર સામે આ ગુજરાત કોણે બનાવ્યું હેશ ટેગ સાથે ગંભીર સવાલો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ છે તમારું સુરક્ષીત અને સલામત ગુજરાત? જ્યાં દિન દહાડે યુવાનની હત્યા કરી નાખવામાં આવે છે! આની પર લગામ ક્યારે? કેમ કાયદાનો ડર નથી? ભગવાન હારીજના દેસાઈ હાર્દિકની આત્માને શાંતિ આપે, તેમના પરિવારને આઘાત સહન કરવાની શક્તિ આપે અને પરિવારને ન્યાય મળે.
(વીથ ઈનપુટઃ વિપીન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT