વલસાડઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપના સ્ટાર પ્રચારકો સતત સભાઓ ગજવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો પણ સતત લોકોની વચ્ચે જઈ રહ્યા છે. દરમિયાનમાં ભાજપના નેતા અને અભિનેતા પરેશ રાવલ ગુજરાતના વલસાડમાં આવ્યા હતા. અહીં તેમની સભા હતી તે દરમિયાન લોકોને સંબોધતા તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી યાત્રામાં ચાલે પણ રાજકારણમાં ના ચાલે.
ADVERTISEMENT
પરેશ રાવલે રાહુલ ગાંધીની યાત્રાને લઈને કહ્યું…
વલસાડમાં આવેલા પરેશ રાવલે ભાજપની પ્રતિસ્પર્ધી પાર્ટીઓને આડેહાથ લીધી હતી. તેમના પર શબ્દબાણ ચલાવ્યા હતા. દરમિયાન તેમણે રાહુલ ગાંધી પર વાકબાણ ચલાવતા કહ્યું કે, તમે જેટલું પણ ફરી લો કોંગ્રેસનું કશું થવાનું નથી. આપણા એક ભાઈ નીકળ્યા છે ભારત જોડો કરવા, તે યાત્રામાં ચાલી શકે, રાજકારણમાં ના ચાલે. યાત્રામાં ચાલવા માટે 25 હજારના બુટ જોઈએ, રાજકારણમાં ચાલવા દિલમાં નીયત જોઈએ અને દિમાગ જોઈએ. બે અઢી હજાર કિલોમીટર ગમે તેટલા ચાલો તેનાથી કાંઈ ફરક ન પડે. મને તો નવાઈ લાગે છે કે કોઈ લેવા દેવા વગર માણસ અઢી હજાર કિલોમીટર ચાલવા નીકળ્યો છે.
રાજકીય પાર્ટીઓ પર ચલાવ્યા વાકબાણ
તેમણે રાજકીય પાર્ટીઓને પણ આડેહાથ લેતા કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી તો બોલે છે એ જ ઘણું છે. પૂર્ણ બહુમતથી ભાજપ જીતવાની છે તેવો આશાવાદ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તેમણે એવું પણ કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધીને દગો કરી રહ્યા છે અને તેમની પાસેથી પૈસા લઈને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે.
(વીથ ઈનપુટઃ કૌશીક જોશી, વલસાડ)
ADVERTISEMENT