Paresh Goswami's Rain Forecast: ગુજરાતમાં વરસાદી માહોલ ધીમે-ધીમે જામી રહ્યો હોવાથી ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ ચૂક્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 78 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લામાં નોંધાયો છે. તાપી જિલ્લાના કુકરમુંડામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે.
ADVERTISEMENT
પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં હજી જોઈએ તેવો વરસાદ પડી નથી રહ્યો. પરંતુ આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં સારા વરસાદની શક્યતા છે. આજે 23 જૂને નવસારી, સુરત, વલસાડ, વાપી, ડાંગ, આહવા, છોટાઉદેપુરમાં વરસાદી ગતિવિધિઓ તેજ થઈ જશે. આ સાથે આજે રાજકોટ, બોટાદ, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, ભાવનગરમાં આજે અને આવતીકાલે વરસાદની શક્યતા છે.
ક્યાં-ક્યાં પડશે વરસાદ?
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આજે પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ થશે પરંતુ અહીં વરસાદની તીવ્રતા ઓછી હશે. અમદાવાદ, વડોદરા, લુણાવાડા અને ગોધરાની આસપાસ પણ વાવણીલાયક વરસાદ થઈ શકે છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી?
હવામાન વિભાગે 23 જૂને રવિવારે રોજ વડોદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે. આ દરમિયાન ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત રાજ્યભરમાં તમામ જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં પણ રવિવારે સાંજે કે રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે દિવસભરનું તાપમાન 40 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ છે. આ સાથે જ 24 અને 28 જૂન સુધી ગુજરાતભરમાં વરસાદની આગાહી કરાઈ છે.
ADVERTISEMENT