અમદાવાદ: બાગબાન ફિલ્મ જેવો કિસ્સો રિયલ લાઈફમાં સામે આવ્યો છે. જેમાં ફ્લેટ રિડેલપમેન્ટના નામે બે દીકરાઓએ માતા-પિતા પાસેથી સહી કરાવીને ફ્લેટ પોતાના નામે કરાવી લીધો અને બાદમાં તેમને સાથે રાખવાની ના પાડી દીધી. લાચાર માતા-પિતાએ ભરણપોષણ માટે હાઈકોર્ટમાં અરજી કરતા દત્તક દીકરાને આ અંગે જાણ થઈ. જે બાદ તેણે આગળ આવીને માતા-પિતાને પોતાની સાથે રાખવા માટે તૈયારી બતાવી હતી.
ADVERTISEMENT
લગ્નના 13 વર્ષ સુધી સંતાન ન થતા દીકરો દત્તક લીધો
વિગતો મુજબ, ભાવનગરના મહુવામાં રહેતા નાનકશી શિહોરીને સંતાનમાં 3 દીકરા છે. તેઓ મહુવામાં જ નારિયેળની ખેતી કરતા અને પ્રાથમિક સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. લગ્નના 13 વર્ષ સુધી સંતાન ન થતા તેમણે એક દીકરો દત્તક લીધો હતો. આ બાદ 5 વર્ષે તેમની પત્નીએ જોડિયા બાળકોને જન્મ આપતા દંપતી ખૂબ ખુશ હતું. નાનકશી ભાઈએ દત્તક દીકરાને મુંબઈમાં ભણાવ્યો અને હાલમાં તે ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર છે, જ્યારે તેની પત્ની પણ મુંબઈમાં પ્રોફેસર છે. જ્યારે બીજો દિકરો અમદાવાદમાં બેંકમાં નોકરી કરે છે અને ત્રીજો દીકરો તાજેતરમાં મામલતદારની પરીક્ષામાં પાસ થઈને નોકરીમાં પસંદગી પામ્યો છે.
સગા દીકરાઓએ મા-બાપને કાઢી મૂક્યા
હાઈકોર્ટમાં વૃદ્ધે કરી અરજી મુજબ, દીકરાઓ શહેરમાં રહેતા હોવાથી તેમને ફ્લેટ લેવો હતો. એવામાં સગા દીકરાઓએ તેમને મહુવામાં એકલા રહેતા હોવાથી પોતાની સાથે રહેવા બોલાવ્યા. દીકરાઓએ જૂનો ફ્લેટ લીધો હતો, જે માતા-પિતાના નામે હતો. ફ્લેટ રિડેવલપમેન્ટ ગયા બાદ નવા ફ્લેટ તૈયાર થયા, ત્યારે દીકરાઓએ ફ્લેટ પોતાના નામે કરાવ્યો અને બાદમાં માતા-પિતાને કાઢી મૂક્યા. આથી ભરણપોષભ માટે વૃદ્ધ માતા-પિતાએ કોર્ટમાં અરજી કરી હતી.
કોર્ટે બંને દીકરાઓને ટકોર કરી
મુંબઈમાં રહેતા દત્તક દીકરાને માતા-પિતાની આ ખરાબ સ્થિતિની જાણ થતા જ તે કોર્ટમાં આવ્યો અને બંનેને પોતાની સાથે મુંબઈમાં લઈ જવાની તૈયારી બતાવી હતી. જે બાદ કોર્ટે તેમને પક્ષકાર તરીકે જોડવાની મંજૂરી આપી. સાથે જ બંને સગા દીકરાઓને પણ માતા-પિતાને 5-5 હજાર આપવા તૈયાર કરવા કહ્યું હતું. હવે આ કેસની વધુ સુનાવણી આગામી 10 જુલાઈએ થશે.
ADVERTISEMENT