હેતાલી શાહ/આણંદ: શિક્ષણ એક એવું ધામ છે જ્યાં વિદ્યાર્થીઓને શિક્ષણ અને સારા સંસ્કારોનુ સિંચન કરવામાં આવે છે. પરંતુ આવી જ શાળામાં જ્યારે શિક્ષકો પોતાની મર્યાદા ભૂલે છે, ત્યારે કેવા પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓને મળતું હોય તેનો અંદાજ પણ લગાવી શકાય છે. આવી જ ઘટના આણંદ જિલ્લાની ખોડીયાર નગર પ્રાથમિક શાળામાં બની કે જ્યાં શાળામાં શિક્ષક અને શિક્ષિકા પોતાની પ્રેમ લીલાને આગળ વધારી રહ્યા હતા, એવો આક્ષેપ શાળાના વિદ્યાર્થીઓએ વાલીઓને કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.
ADVERTISEMENT
આણંદ જિલ્લાના લાંભવેલ પાસે આવેલ ખોડીયાર નગર પ્રાથમિક શાળામાં ઘોરણ 7 અને 8માં બન્ને શિક્ષકો વિદ્યાર્થીઓને ભણાવે છે. અને શાળામા શિક્ષકને શાળાની શિક્ષિકા સાથે આંખો મળી જતા વિદ્યાના ધામને જ પોતાના પ્રેમ લીલા માણવાનું સ્થાન બનાવ્યાનો આક્ષેપ શાળાના વિદ્યાર્થીઓ તથા વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. છેલ્લા બે માસથી વાલીઓ દ્વારા જીલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ જ નક્કર પરિણામ ન આવતા વાલીઓએ આખરે કંટાળીને શાળાને જ તાળા મારી દીધા.
બે મહિનાથી શિક્ષક-શિક્ષિકાની પ્રેમલીલા ચાલતી હતી
આશરે છેલ્લા બે માસથી પણ વધુ સમયથી ખોડીયાર નગર પ્રાથમિક શાળામાં આ શિક્ષક અને શિક્ષિકા વચ્ચે પ્રેમ લીલા ચાલી રહી હતી. શાળામાં જ શિક્ષકોની આવી હરકતો જોઈને વિદ્યાર્થીઓ જ સ્તબ્ધ થઈ ગયા. જેને લઈને વિદ્યાર્થીઓએ પોતાના વાલીને જ્યારે આ ઘટના અંગે જાણ કરી. ત્યારે વાલીઓએ શાળામાં પહોંચ્યા હતા અને શિક્ષક સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી પરંતુ કંઈ જ ન થતા તેઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવ્યું અને પોતાના બાળકોના ભવિષ્યને બગડતું બચાવવા માટે આજે વાલીઓ શાળાએ પહોંચ્યા, શાળાના દ્વારે તાળા મારી દીધા અને શાળામાં હોબાળો કરી દીધો.
સ્કૂલના આચાર્યએ પણ પ્રેમલીલાની જાણ હોવાનું સ્વીકાર્યું
શાળાના આચાર્ય સંગીતાબેન સોલંકીના જણાવ્યા અનુસાર “વાલીઓ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆત બાદ અમે શિક્ષક પર ધ્યાન રાખતા અમારા પણ ધ્યાને આવ્યું હતું. પરંતુ અમે શિક્ષકોને સમજાવ્યા હતા. આજે વાલીઓ દ્વારા જે તાળાબંધી કરવામાં આવી રહી છે, એ ન થાય અને અમારા નિર્ણયની રાહ જુએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને પણ આ અંગે અમે જાણ કરી છે એટલે શિક્ષણ વિભાગ તરફથી પગલાં ભરવામાં આવશે.”
શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી તાળાબંધી
તો વાલીઓના જણાવ્યા અનુસાર, ” અમે છેલ્લા ઘણા સમયથી શાળાના આચાર્ય તથા શિક્ષણ વિભાગને આ પ્રેમ લીલા કરતા શિક્ષકોની બદલી કરવાની માંગ કરી હતી. તેમ છતાંય કોઈ જ કાર્યવાહી ન થતા આજે અમે શાળાને તાળાબંધી કરવા માટે આવ્યા છે. અને જ્યાં સુધી કોઈ નક્કર પરિણામ નહીં આવે ત્યાં સુધી આ શાળામાં તાળાબંધી જ રહેશે. એટલું જ નહીં વાલીઓએ એવો પણ આક્ષેપ કર્યો છે કે શિક્ષક દ્વારા વિદ્યાર્થિનીઓને અડપલા કરવામાં આવતા હતા. જેને લઈને આ શિક્ષકની બદલી થાય તે જરૂરી છે.
શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા
તો આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિવેદિતા ચૌધરીએ જણાવ્યું કે, “તાળાબંધી થઈ છે તેની હાલ જાણ થઈ છે. બાળકોનું શિક્ષણ રોકવાનો કોઈને પણ અધિકાર નથી. શાળાની શાળાબંધી કરી શકાય નહીં. થોડા દિવસ પહેલા અમને ફરિયાદ આપેલી છે કે શાળાના શિક્ષક વિશે. જેના અંતર્ગત જે ફરિયાદને ધ્યાને લઈને કમિટીની રચના કરવામાં આવી છે. કમિટી દ્વારા ફરિયાદ અંતર્ગત તપાસ કરવામાં આવશે અને ફરિયાદને અંતે જે પણ સાબિત થશે એના આધારે નિયમ અનુસાર જે પણ કાર્યવાહી કરવાની થશે તે થશે. શિસ્તને અપીલની નિયમોની જોગવાઈ છે જ. એટલે જે પણ એમના વિરુદ્ધ આક્ષેપો છે તે સાચા સાબિત થશે તો નિયમો અનુસાર તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.”
મહત્વનું છે કે શિક્ષણના ધામમાં જ્યારે શિક્ષકો પોતાની મર્યાદા ભૂલે છે ત્યારે શિક્ષણ વિભાગને લાંચન રૂપ બાબત બની જાય છે. જે વિદ્યાના ધામમાં બાળકોને સારા સંસ્કારોનુ સિંચન કરવામાં આવતુ હોય છે. એ જ શાળામાં વિદ્યાર્થીઓની સામે શિક્ષકો મર્યાદા ભૂલીને પ્રેમાલાપ આચરતા હોય અને એમાંય વિદ્યાર્થીનીઓ ને અડપલા કરતા હોય ત્યારે આવા શિક્ષક સામે પગલાં ભરાય તેવી માંગ વાલીઓ દ્વારા ઉગ્ર બની છે.
ADVERTISEMENT