સુરેન્દ્રનગરમાં સગા મા-બાપે અંધશ્રદ્ધામાં દોઢ વર્ષની માસુમની હત્યા કરીને નાળામાં ફેંકી દીધી

સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના સાયલામાં શાપર ગામ નજીક નાળામાં દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ હતી. બાતમીદારીને કામે લગાડી બાળકીની હત્યામાં તેનાં જ સગા…

gujarattak
follow google news

સાજીદ બેલિમ/સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના સાયલામાં શાપર ગામ નજીક નાળામાં દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળતા પોલીસ દોડતી થઇ હતી. બાતમીદારીને કામે લગાડી બાળકીની હત્યામાં તેનાં જ સગા માતા પિતાની પોલીસે ધરપકડ કરી હતી. હત્યારા માતા-પિતા એ બાળકી અપશુકનિયાળ હોવાનો વહેમ રાખી ગળુ દબાવી હત્યા કરેલી હોવાની કબુલાત આપતા સમગ્ર પંથકમાં હત્યારા માતા-પિતા પર ફીટકાર વરસાવી રહ્યા છે.

નાળામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો
સુરેન્દ્રનગરના સાયલા હાઇવે પર શાપર ગામના પાટીયા નજીક નાળામાં એક ફુલ જેવી દોઢ વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં હોઇ તાંત્રિક વિધી થયાની આશંકા એ પોલીસે તાત્કાલિક બાળકીનો મૃતદેહ રાજકોટ પોસ્ટમોર્ટમ અર્થે મોકલી બાતમીદારોને કામે લગાડી બાળકીના હત્યારાઓની તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસને બાતમી મળી હતી કે મનસુખભાઇ વજુભાઇ જોગરાજીયા અને પ્રકાશબેન મનસુખભાઇની આ પુત્રી છે. જેથી પોલીસે ચુડા ગામના કોરડા ગામના જઈને બાળકીના માતા-પિતાની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી.

બાઈક સ્લીપ થઈ જતા કરી બાળકીની હત્યા
જેમાં બાળકીના માતા-પિતાએ કબુલાત આપી હતી કે, તેઓ કોરડાથી ચોટીલા જઈ અને પરત ફરતા હતા. ત્યારે મનસુખભાઇ અને તેમના પત્ની અને રૂહી મોટરસાયકલ પર આવી રહ્યા હતા. ત્યારે મનસુખભાઇનું બાઈક રોડ પર સ્લીપ ખાઈ ગયું. જેમાં મનસુખભાઇ અને રૂહીને ઇજાઓ થઈ હતી. તેથી આવેશમાં આવીને તેમણે દીકરીનું ગળું દબાવી નાખ્યું અને શાપર નજીક નાળામાં નાખી દીધી હતી. આ બાદ બંન્ને પતિ-પત્ની ઘરે જતા રહ્યા હતા. પોલીસે બંને આરોપીઓએ કબુલાત આપતા ધરપકડ કરી વધુ આકરી પુછપરછ હાથ ધરતા આરોપીએ કબુલાત આપી હતી કે તેઓને સંતાનમાં ચાર પુત્રીઓ છે અને રૂહીનો જન્મ થયા બાદ તેમને સરખાઇ નહીં આવતા રૂહી અપશુકનિયાળ હોવાનો વહેમ હતો.

અંધશ્રદ્ધામાં માસુમે જીવ ગુમાવ્યો
રૂહીના જન્મ બાદથી દંપતી આર્થિક સંકડામણમાં રહેતું હતું, આથી પુત્રીને અપશુકનિયાળ માની હત્યા કરી હતી. હાલ ડીઝીટલ યુગમાં પણ લોકો પુત્રીને સાપનો ભારો સમજી અને હત્યા કરતા નથી અટકાતા. તેમજ ફુલ જેવી બાળકીની હત્યા સગા માતા-પિતાએ કરી હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં હત્યારા માતા-પિતા પર હાલ લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.

    follow whatsapp