Parasottam Rupala Statement Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનથી વિવાદ વકર્યો છે. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર આવેદનપત્ર આપીને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ચૂંટણીમાં ગંભીર પરિણામો ભોગવવા પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારમાં આવી રહી છે. આ વચ્ચે હવે રાજવી પરિવારે પણ પરસોત્તમ રૂપાલા સામે બાંયો ચડાવી છે.
ADVERTISEMENT
રાજવી પરિવારે કર્યો બદનક્ષીનો દાવો
કોંગ્રેસ નેતા અને લાઠી સ્ટેટનાં રાજવી પરિવારના વંશજે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સામે કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે. આદિત્યસિંહ ગોહિલે રાજકોટ જિલ્લામાં કોર્ટમાં રૂપાલા સામે બદનક્ષીનો દાવો કરતા મામલો વધુ ગરમાયો છે. આપને જણાવી દઈએ કે, પરસોત્તમ રૂપાલાએ નિવેદન બદલ માફી માંગી લીધી હોવા છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત છે.
આ પણ વાંચોઃ 'મારો આશય રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો', પરસોત્તમ રૂપાલાએ માંગી ક્ષત્રિય સમાજની માફી
શું છે સમગ્ર મામલો?
લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. જેઓને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. તેઓએ સતત જાહેર સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે રાજકોટ બેઠક પરથી ભાજપે પરસોત્તમ રૂપાલાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધી હતી.
રજવાડા અંગે આપ્યું હતું નિવેદન
આ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા હતા. પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો અને ન તો વ્યવહારો કર્યા. સૌથી વધુ દમન તેમના પર થયા હતા. આજે હજાર વર્ષે રામ એમના ભરોસે આવ્યો છે. એ સમયે તેઓની તલવાર આગળ પર નહોતા ઝૂક્યા.'
વિવાદ વકરતા માંગી હતી માફી
રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય રાજપૂત સમાજ ભારે રોષે ભરાયો છે. વીડિયો વાયરલ થયા બાદ પરસોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. વાયરલ વીડિયો અંગે પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, 'ગઈકાલે મેં વાલ્મીકિ સમાજના કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું, ક્ષત્રિય સમાજના આગેવાનોએ આ અંગે રોષ વ્યક્ત કર્યો છે. મારો આશય આપણા રાજવીઓને નીચા દેખાડવાનો નહોતો. તેમ છતાં મારા વીડિયો થકી કોઈની લાગણી દુભાતી હોય તો દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગુ છું, આ વિષયને અહીંયા જ પૂરો કરવા વિનંતી કરું છું.' જોકે, પરષોત્તમ રૂપાલાના નિવેદન મામલે સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો રોષે ભરાયા છે.
ઈનપુટઃ રોનક મજીઠિયા, રાજકોટ
ADVERTISEMENT