બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. ચોરીની આ ઘટનાને અન્ય કોઈ નહીં પરંતુ ભગવાનની સેવા-ચાકરી કરનારા પૂજારીએ જ અંજામ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મંદિરમાંથી આભૂષણ અને રોકડ સહિત 4.75 લાખની મતાની ચોરી કરીને પૂજારી ફરાર થઈ ગયા છે.
ADVERTISEMENT
વારાણસીના પૂજારીને 5000ના પગારે રાખ્યા હતા
પાલનપુરમાં કંથેરીયા હનુમાજી મંદિરના સંચાલક શિવગીરી મહારાજે એક મહિના પહેલા વારાણસીના દીપક દુબેને મહિને રૂ.5000ના પગારથી નોકરીએ રાખ્યો હતો. સંચાલક શિવગીરી મહારાજ દુબઈ ગયા હતા. ત્યારે મંગળવારે સવારે પૂજારી દીપકે શિવગીરી મહારાજનો રૂમ ખોલીને તેમાં તિજોરીમાં પડેલો ભગવાન શ્રીકૃષ્ણને ચડાવવાનો સવા બે તોલા સોનાનો હાર, સાડા ત્રણ તોલા સોનાની રૂદ્રાક્ષની કંઠી તથા દાનના 1.60 લાખની રોકડની ચોરી કરી હતી.
સેવકના રૂમમાં પણ હાથ ફેરો
આટલું જ નહીં પૂજારી દીપક દુબેએ સેવકને પણ છોડ્યો નહોતો અને તેના રૂમમાં ઘુસીને ત્યાં પડેલા 15,000 રૂપિયાની પણ ચોરી કરી હતી. આમ સંચાલકના રૂમમાંથી 4.60 લાખ અને સેવકના રૂમમાંથી 15 હજાર મળીને કુલ 4.75 લાખની ચોરી કરીને પૂજારી ફરાર થઈ ગયો. સમગ્ર મામલો સામે આવતા પાલનપુરમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT