Banaskantha Crime News: એક કરુણાંતિકામાં પાલનપુરની અક્ષર સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને સેન્ટિંગનું કામ કરતા વ્યક્તિએ પોતાની પત્ની સાથે ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ આત્મહત્યા કરવા પાછળનાં કારણમાં પાલનપુરનાં એક તબીબની બદમાશી બહાર આવી છે. જેણે મૃતક કોન્ટ્રાક્ટરને મજૂરીના પૈસા ન આપતાં બુધવારે વહેલી સવારે પતિ-પત્ની બંનેએ ઝેરી દવા પીધી હતી. જેમાં બન્નેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેનું મોત નિપજ્યું હતું. જે મામલે પાલનપુર પૂર્વ પોલીસે તબીબ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
મૃતકે પરસેવાની મજૂરી માટે લેબર કોર્ટમાં ફરિયાદ કરી હતી
આ કામે મૃતક કોન્ટ્રાક્ટર મુકેશભાઈએ તબીબ અશોક પરમારના મકાનનું કામકાજ રાખેલું અને બાંધકામ કર્યું હતું.જે કામની મજૂરી પેટે હિસાબની રકમ આરોપી અશોક પરમારે આપી નહોતી. જેથી તેઓએ તબીબ અશોક પરમાર સામે લેબર કોર્ટમાં ફરિયાદ કરી હતી. છતાં પૈસા ન આપતા, ઘરમાં સતત પૈસાની તંગીથી કોન્ટ્રાક્ટર અને તેમની પત્નીએ જીવન ટૂંકાવવાનું નક્કી કર્યું હતું. જેમાં પત્નીએ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લેતાં તબીબ સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો હતો.
પત્ની બાદ પતિએ પણ લીધા અંતિમશ્વાસ
બુધવારે સવારે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પત્ની રેખાબેન મુકેશભાઇ સોલંકી અને પતિ મુકેશભાઇ ધર્માભાઇ સોલંકી બંને ઝેર પીધેલી હાલતમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં પ્રથમ રેખાબેનનું મોત નિપજ્યું હતુ. દરમિયાન પતિ મુકેશભાઇનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ખિસ્સામાંથી સારવાર કરનાર ડોક્ટરને સ્યુસાઈડ નોટ મળી હતી. જેથી મુકેશ ભાઈના 19 વર્ષના દીકરા આદિત્ય સોલંકીએ સ્યુસાઈડ નોટના આધારે આરોપી તબીબ અશોકભાઇ લાલજીભાઇ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પાલનપુરના નિવાસ સ્થાનેથી બન્નેની એકસાથે અર્થી નીકળતા ગમગીની છવાઈ હતી. માતા પિતાના મોત બાદ સંતાનો નોંધારા બન્યા છે. પોલીસે તબીબની ધરપકડ માટે કવાયત હાથ ધરી છે.
આંખો ભીની થઈ જાય તેવી પીડા દર્શાવતી સુસાઈડ નોટ
હું રેખાબેન મુકેશભાઈ સોલંકી આ દુનિયા છોડીને જવું છું. તેનું કારણ ગામ રૂપાલના ડોક્ટર અશોકભાઈ લાલાભાઇ પરમાર છે. એમના ત્યાં મારા પતિએ મકાન બાંધકામ કરેલ છે. જેનો હિસાબ ન આપતા લેબરકોર્ટમાં ફરિયાદ કરેલ છે. જેથી પૈસાની જરૂર છે. અને ઘરમાં ખાવા માટે ધાન નથી. મારા બાળકોનું ભણતર બગડે છે. અમારા પાસે રહેવા માટે ઘર નથી. ભાડાના મકાનમાં રહીએ છીએ. ઘર માલિકને ભાડાના પૈસા આપવાના છે. જો ન આપીએ તો ઘર ખાલી કરાવી શકે છે. તો રહેવા ક્યાં જઈએ? જેથી સરકાર પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.
તબીબ સામે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો
આ કરુણાંતિકામાં ઝેરી દવા પીનાર રેખાબેન અને મુકેશભાઈ મોતને ભેટતા તેમની લાશનું પીએમ કરાવેલું છે. સ્યુસાઈડ નોટ આધારે પીએસઆઈ બી.જે.સુથાર સમક્ષ પૂર્વ પોલીસ મથકે ઇ.પી.કો. કલમ 306, 506 (1) મુજબનો ગુનો નોંધાયો છે. ગુનાની તપાસના કામે સ્યુસાઈટ નોટ કબજે લેવાઈ છે.
(ધનેશ પરમાર, બનાસકાંઠા)
ADVERTISEMENT