અમદાવાદ: શહેરમાં પૂર્વ વિસ્તારમાં આવેલા હાટકેશ્વર બ્રિજનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. રૂ.40 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ પાંચ વર્ષમાં જ બંધ કરવો પડતા ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ તંત્ર પણ બ્રિજ બનાવનાર કંપની સામે કડક કાર્યવાહી કરી નથી. ત્યારે હવે વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરવાની તૈયારી કરાઈ છે.
ADVERTISEMENT
વિપક્ષનું રેલીનું આયોજન
AMCમાં વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણની આગેવાનીમાં આજે જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોર્પોરેશનના શાસકોની મિલીભગતથી થતાં ભ્રષ્ટાચાર અને હાટકેશ્વર બ્રિજની હલકી ગુણવત્તાના કામમાં સંડોવાયેલા લોકોને સજાની માગણી સાથે કમિશનરને આવેદન પત્ર આપવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાવાના છે. સાંજે ચાર વાગ્યે AMCની ઓફિસ બહાર દેખાવો કરવામાં આવશે.
પૂર્વ કાઉન્સિલરો કરશે ઉપવાસ
ત્યારે હાટકેશ્વર બ્રિજના પ્રશ્ન મામલે પૂર્વ મ્યુનિ. કાઉન્સિલર જ્યોર્જ ડાયસ સોમવારથી 72 કલાકના ઉપવાસ કરશે. તેમની સાથે આ કાર્યક્રમમાં પ્રતિક ઉપવાસમાં પૂર્વ વિસ્તારના મ્યુનિ. કાઉન્સિલરો ઈકબાલ શેખ, જગદીશ રાઠોડ, ઝુલ્ફીખાન પઠાણ તથા અન્ય મ્યુનિ. કાઉન્સિલરો પણ જોડાશે.
40 કરોડનો બ્રિજ 5 વર્ષમાં બંધ
નોંધનીય છે કે હાટકેશ્વરમાં 40 કરોડના ખર્ચે બ્રિજ બન્યો ત્યારે તેને 50 વર્ષ સુધી કંઈ ન થવાનો દાવો કરાયો હતો. ઉપરાંત તમામ સેફ્ટી અને મજબૂતીના સર્ટિફિકેટ પણ અપાયા હતા. જોકે આ બાદ 6 વખત બ્રિજને રિપેરિંગ માટે બંધ કરવો પડ્યો અને હાલમાં પણ ઘણા મહિનાઓથી તે બંધ કરી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT