ભક્તિ રાજગોર.અમદાવાદ: ગુજરાતમાં આ વખતે સત્તામાં આવવાના અને સરકાર રચવાના સપના જોતી કોંગ્રેસ આ વખતે માંડ માંડ તેની શાખ બચાવી શકી અને માત્ર 17 બેઠકો મેળવવામાં સફળ રહી છે. ત્યારે હવે ફરી એક વાર ગુજરાતમાં કોંગ્રેસને સત્તા વગર ખૂણામાં બેસવાનો વારો આવ્યો છે. ત્યારે વિપક્ષના નેતા કોણ બનશે તેને લઈને કોંગ્રેસમાં લાંબા સમયથી મંથન ચાલી રહ્યું છે પરંતું હજુ સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે નામ જાહેર કરવામાં આવી નથી. ત્યારે વિપક્ષના નેતા મુદ્દે કોંગ્રેસનું કોકડું ક્યાં ગુચવાયેલું છે આવો આપને જણાવીએ આ અહેવાલમાં
ADVERTISEMENT
વિપક્ષ નેતા નક્કી ન થવા પાછળના સંભવિત કારણો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસના એવા તે સુપડા સાફ થયા કે કોંગ્રેસને વિપક્ષમાં રહેવા જેટલી બેઠકો પણ માંડ માંડ પ્રાપ્ત થઈ. ત્યારે હવે વિપક્ષના નેતા તરીકે કોની નિમણુક કરવી તે બાબતને લઈને કોંગ્રેસમાં ગડમથલ ચાલી રહી છે. મહત્ત્વનું છે કે લાંબા સમયથી વિપક્ષના નેતા તરીકે કોને રજુ કરવા તેને લઈને કોંગ્રેસમાં ચર્ચાઓ અને બેઠકોનો દોર ચાલ્યો પરંતુ કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતાનું નામ ફાઈનલ નથી કરી શકી. આ અંગે જ્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનો સંપર્ક કરવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આગામી 7થી 8 દિવસની અંદર નેતા વિપક્ષનું નામ જાહેર કરી દેવામાં આવશે. ત્યારે અહીં સવાલએ ઊભો થઈ રહ્યો છે કે વિપક્ષના નેતાનું નામ જાહેર કરવામાં કેમ આટલો વિલંબ થઈ રહ્યો છે. આ અંગે કોંગ્રેસના જવાબદાર નેતાઓએ એવું કારણ આપ્યું કે, રધુ શર્માએ રાજીનામુ ધરી દીધુ છે અને હવે તેમનું ફોકસ રાજસ્થાન છે. કારણ કે આવનાર સમયમાં રાજસ્થાનમાં ચૂંટણીઓ આવી રહી છે. તો બીજી બાજુ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબુત કરવામાં લાગી ગયા છે. તો કે.સી.વેણુગોપાલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે. જેથી કરીને હજુ સુધી કોંગ્રેસ દ્વારા વિપક્ષના નેતાના નામની જાહેરાત કરવામાં આવી નથી. મહત્ત્વનું છે કે વિપક્ષના નેતાની નામની યાદીમાં અર્જૂન મોઢવાડિયા, શૈલેષ પરમાર, અમિત ચાવડા, સી.જે.ચાવડા અને અનંત પટેલના નામ ચર્ચામાં છે. ત્યારે આ તમામ નામોમાંથી સૌથી વધારે ચર્ચા અનંત પટેલના નામની થઈ રહી છે. કારણ કે આ વખતે જે રીતે આમ આદમી પાર્ટીની ઈફેક્ટના લીધે કોંગ્રસને આદિવાસી વિસ્તારામાં મોટો ફટકો પડ્યો છે. તેને જોતા આગામી સમયમાં આ વિસ્તારમાં કોંગ્રેસનો ફરી એક વાર દબદબો જોવા મળે તે માટે આદિવાસી નેતાને વિપક્ષના નેતા બનાવી શકાય તેવી ચર્ચા છે. તો બીજી બાજુ રાજનીતિનો બહોળી અનુભવ ધરાવનાર અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા, સી.જે.ચાવડાના નીમની પણ ચર્ચા છે. ત્યારે હવે વિપક્ષના નેતા કોણ બનશે તે જોવાનું મહત્ત્વનું બની રહેશે.
મહત્ત્વનું છે કે વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવ્યાને પણ ખાસો સમય વિતિ ચુક્યો છે. તેમ છતાં પણ કોંગ્રેસ હજુ સુધી વિપક્ષના નેતાનું નામ ફાઈનલ નથી કરી શકી. જેથી કરીને વિપક્ષના નેતા મુદ્દે કોંગ્રેસનું કોકડું ગુચવાયેલું ત્યારે આ બાબતે હવે ક્યારે નામની જાહેરાત કરવામાં આવે છે તે જોવાનું મહત્ત્વનું બની રહેશે.
ADVERTISEMENT