ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા લોકોને સારવાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. સરકારી હોસ્પિટલોમાં રવિવાર સિવાય દરરોજ રાત્રે 8 વાગ્યા સુધી દર્દીઓને OPD દ્વારા સારવાર અપાશે. આ સાથે જ દર્દીના એક સગાને બે ટાઈમ ભોજનની પણ વ્યવસ્થા કરવાની રહેશે. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ વધુ સારી રીતે આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકારની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે આઠ કલાક સુધી ઓ.પી.ડી દ્વારા સારવાર પૂરી પાડવાનો રાજય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર હસ્તકની સંલગ્ન હોસ્પિટલોમાં દાખલ દર્દીના એક સગાને પૌષ્ટિક આહાર પણ પૂરો પાડવામાં આવશે.
ADVERTISEMENT
રાત્રે 8 વાગ્યા સુધી OPD કાર્યરત રહેશે
લેબોરેટરી,એક્સ-રે તપાસ, ફાર્મસી, ફિઝિયો થેરાપી, ડેન્ટલ જેવી સેવાઓ મળી રહે તે માટે રાજ્યના સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ,ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે ઓ.પી.ડી.નો સમયગાળો વધારવાનો નિર્ણય કરાયો છે. તદઅનુસાર સવારની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી રવિવાર) સવારે 9 થી 1 અને સાંજની ઓ.પી.ડી.નો સમયગાળો (સોમવાર થી શનિવાર) સાંજે 4 થી 8 કલાકનો રહેશે. તેમજ જાહેર રજાઓ દરમ્યાન હોસ્પિટલ ખાતે તાત્કાલીક સારવારની સેવાઓ ચાલુ રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.
દર્દીના સગાને અપાશે ભોજન
આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સુવિધાઓ પુરી પાડવા ઘણી બધી આરોગ્યલક્ષી સેવાઓમાં ઉતરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે.જેને ધ્યાને લઇ જનસેવાના ધ્યેય સાથે રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે તબીબી સારવારની સુવિધાનો લાભ રાજ્યના નાગરિકોને આપવામાં આવે છે. પરંતુ જે કિસ્સાઓમાં ઉચ્ચ કક્ષાની સારવારની જરૂર હોય છે તેવા કિસ્સાઓમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો અથવા મહાનગર ખાતેની હોસ્પિટલો ખાતે દાખલ થવાની જરૂર પડતી હોય છે. આવા સંજોગોમાં મોટા શહેરોમાં સામાજિક સગા સંબંધીઓના અભાવે ઘણીવાર દર્દી સાથે આવેલ સગાંને પૌષ્ટિક અને આરોગ્યલક્ષી તાજા ખોરાકની અસુવિધા અને નાણાકીય અગવડતાનો સામનો કરવો પડે છે.આ સમસ્યાના નિરાકરણ માટે રાજ્યની સબ ડીસ્ટ્રીકટ, ડીસ્ટ્રીકટ તેમજ મેડીકલ અને ડેન્ટલ કોલેજો સંલગ્ન હોસ્પિટલો ખાતે દાખલ દર્દી અને તેની સાથેના એક સગાને નિ:શુલ્ક બે ટાઈમ પૌષ્ટિક ભોજન મળી રહે તેવી સેવાકીય વ્યવસ્થા ઉભી કરાશે.
રોજ 35થી 40 હજાર દર્દીને મળશે લાભ
અગ્રવાલે ઉમેર્યું કે, રાજયમાં 450 ઉપરાંત સી.એચ.સી, સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો, ડિસ્ટ્રીકટ હોસ્પિટલો અને મેડીકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો કાર્યરત છે.જેમાં હાલ ની ઓ.પી.ડી માં દરરોજ 1.25 લાખથી 1.30 લાખ નાગરિકો ઓ.પી.ડીની સેવાઓનો લાભ લઈ રહ્યા છે.આ બે કલાકનો સમય વધારવાના લીધે દરરોજના 35 થી 40 હજાર નાગરિકો વધુ લાભ લઈ શકશે. આ સમય વધારવાના લીધે નાના સ્વરોજગાર મેળવતા લોકો તથા નોકરિયાત લોકો પણ આ સેવાનો લાભ લઈ શકશે.
ADVERTISEMENT