અમદાવાદ: શહેરના અમદાવાદમાં સુરતની ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ જેવો બનાવ થતા થતા રહી ગયો. ઘાટલોડિયામાં એક તરફી પાગલ પ્રેમી પરિણીત મહિલાને સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. મહિલા ન માનતા યુવકે મહિલા અને તેની દીકરી બંને પર જ્વલનશીલ પ્રવાહી નાખીને દિવાસળીથી આગ ચાંપી દીધી હતી. જે બાદ મહિલા અને તેની દીકરીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. બાદમાં મહિલાએ પોલીસ સ્ટેશનમાં પાગલ પ્રેમી સામે ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
દુકાને વસ્તુ લેવા આવતી મહિલા પર મેડિકલ સંચાલકે નજર બગાડી
વિગતો મુજબ, ઘાટલોડિયામાં 34 વર્ષીય પરિણીતા પોતાના પરિવાર સાથે રહે છે. મહિલાનો પતિ કલર કામ કરે છે. બે વર્ષ પહેલા ચંદ્રકાંત ઠક્કરએ તેમના ઘરની સામે મેડિકલ સ્ટોર શરૂ કર્યો હતો. આથી મહિલા તેની દુકાને મેડિકલનો સામાન લેવા માટે જતી હતી, ત્યારે ચંદ્રકાંતે તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહિલા વાત કરતી નહોતી.
બાથરૂમમાં સ્નાન કરતો વીડિયો ઉતારી બ્લેકમેલ કરતો
વર્ષ અગાઉ મહિલા બાથરૂમમાં સ્નાન કરવા ગઈ. જોકે બાથરૂમનો દરવાજો તે સમયે બરાબર બંધ નહોતો થતો. એવામાં ચંદ્રકાંતે મહિલાનો વીડિયો ઉતારી લીધો અને બાદમાં તેને સંબંધ રાખવા માટે બ્લેકમેલ કરવા લાગ્યો. જો મહિલા ન માને તો વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતો હતો. ગત 16મી જૂને મહિલા પોતાના બાળકો સાથે વતન જવા માટે કપડાનું પેકિંગ કરી રહી હતી.
ઘરમાં ઘુસીને સળગાવી નાખવાનો પ્રયાસ
એવામાં ચંદ્રકાંત પ્લાસ્ટિકના ડબ્બામાં જ્વલનશીપ પ્રવાહી લઈને આવ્યો અને ગુસ્સામાં બોલ્યો ક્યાં જાય છે? આથી મહિલાએ કહ્યું, હું મારા ગામડે જાઉ છું. ત્યારે ચંદ્રકાંતે કહ્યું, તારે મારી સાથે સંબંધ રાખવો છે કે નહીં. જો તું મારી સાથે સંબંધ નહીં રાખે તો તને સળગાવી દઈશ. કહીને ચંદ્રકાંતે મહિલા અને તેની પુત્રી પર પ્રવાહી નાખ્યું અને બાદમાં દિવાસળીથી આગ લગાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બુજાવી મહિલા અને તેની દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ADVERTISEMENT