કેનેડા: ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દર વર્ષે ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. છેલ્લા ત્રણ મહિનામાં 2 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ શંકાસ્પદ હાલતમાં ગુમ થયા બાદ તેમની લાશ મળી આવી હતી. ત્યારે કેનેડામાં વધુ એક ગુજરાતી વિદ્યાર્થી અચાનક ગુમ થયો છે. 20 વર્ષને વિશય પટેલ છેલ્લા 4 દિવસથી ગુમ છે, એવામાં પોલીસ પણ તેને શોધવા માટે સ્થાનિક લોકોની મદદ માગી રહી છે.
ADVERTISEMENT
પરિવારના સભ્યોએ પોલીસને જાણ કરી
કેનેડાના બ્રાન્ડોન શહેરમાં 20 વર્ષના વિશય પટેલ છેલ્લા ચાર દિવસથી ગુમ છે. વિશયને છેલ્લે 15મી જૂને રાત્રે 11 વાગ્યા આસપાસ ઘરની બહાર નીકળતા જોવાયો હતો. આ બાદથી તેનો કોઈ પતો નથી. જેથી તેના ગુમ થવા અંગે પરિવારના સભ્યો દ્વારા બ્રાન્ડોન પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે પોલીસ પણ વિશયને શોધવામાં લાગી છે, પરંતુ હજી સુધી તેની કોઈ ભાળ મળી નથી.
પોલીસે સોશિયલ મીડિયા પર મદદ માગી
બ્રાન્ડોન શહેર પોલીસ મુજબ, વિશયને તેના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજમાં પોતાની કાર સાથે બહાર જતા જોવાયો હતો. જોકે બીજા દિવસે ઘરના પાર્કિંગમાંથી તેની કાર મળી આવી, પરંતુ તેની કોઈ ભાળ મળી નહોતી. પોલીસ મુજબ કેટલાક લોકોએ તેને તે જ રાત્રે ઘરેથી ડિસ્કવરી સેન્ટર તરફ ચાલીને જતા જોયો હતો. ત્યારે બ્રાન્ડોન પોલીસ સ્થાનિક લોકોની મદદ લઈ રહી છે. આ સાથે સોશિયલ મીડિયા પર પણ વિશય વિશેની માહિતી મૂકીને લોકો પાસે મદદની માંગ કરી રહી છે.
આ પહેલા મે મહિનામાં ભાવનગરના યુવકનું મોત થયું હતું
નોંધનીય છે કે, આ પહેલા ગત મે મહિનામાં પણ કેનેડામાં ગુજરાતી યુવકનું ગુમ થયા બાદ મોત થયું હતું. મૂળ ભાવનગરના સિદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં રહીને અભ્યાસ કરતો હતો. ટોરન્ટો શહેરમાં આવેલી યોર્ક યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હતો. ગત 5મી મેના રોજ તે અચાનક ગુમ થઈ ગયો હતો. જેથી તેની સાથે રહેતા મિત્રોએ તેની શોધખોળ આદરી હતી, પરંતુ તે ન મળતા તેના પિતાને ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ત્યારે પરિવારના કહેવા પર મિત્રોએ આયુષના ગુમ થવાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જે બાદ પોલીસે તેની શોધખોળ કરતા તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
ADVERTISEMENT