વડોદરા: ગુજરાતમાં નકલી PMO અધિકારી બનીને છેક જમ્મુ-કાશ્મીરમાં પોલીસને મહિનાઓ સુધી છેતરનારા કિરણ પટેલ જેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં PMOના ડાયરેક્ટર બનીને ફરતા મયંક તિવારી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પારુલ યુનિવર્સિટીના સંચાલકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોકે સંચાલકોએ પોલીસ ફરિયાદ કરી દેતા આરોપીનો ભેદ ખુલી ગયો હતો.
ADVERTISEMENT
પોલીસની રડારમાં હતો મયંક તિવારી
વિગતો મુજબ, વડોદરા ગ્રામ્ય પોલીસે PMOના ડાયરેક્ટરની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી આચરતા ઠગ મયંક તિવારીની ધરપકડ કરી છે. સમા વિસ્તારમાં રહેતો મયંક તિવારી લાંબા સમયથી પોલીસની રડારમાં હતો. આરોપી મયંક તિવારીએ પારુલ યુનિર્સિટીના સંચાલકોને પોતે PMOમાં ડાયરેક્ટર હોવાનું કહીને શિક્ષણ ક્ષેત્રે રીસર્ચ પ્રોજેક્ટ માટે સરકારમાંથી મંજૂરી લાવી આપવાની વાત કરી હતી.
પારુલ યુનિવર્સિટીના સંચાલકોને છેતરવાનો પ્રયાસ
જોકે અગાઉ મહાઠગ કિરણ પટેલ પણ આવી જ રીતે લોકોને છેતરતો હોવાનું સામે આવતા પારુલ યુનિવર્સિટીના સંચાલકોને મયંક તિવારી પર શંકા ગઈ હતી. જેથી સંચાલકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યારે આરોપી મયંક પર પોલીસ નજર રાખી રહી હતી. જે બાદ પોલીસે વિવિધ ગુના દાખલ કરીને મયંક તિવારીની ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ આરોપીએ PMOના ડાયરેક્ટર બનીને કેટલા લોકોને છેતર્યા છે તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT