હેતાલી શાહ/ખેડા: હાલની આધુનિક જીવનશૈલીમાં લોકો મહેનત કરી રૂપિયા કમાય છે, અને પોતાની આવનાર પેઢી માટે રૂપિયા ભેગા કરે છે. પરંતુ એક NRI એવા છે જેમાણે પોતાના કમાયેલા રૂપિયામાંથી 3 કરોડથી વધુના ખર્ચે વૃધ્ધાશ્રમ તો બંધાવ્યો, પછી હાલમાં જ તેમણે પેન્શનમાંથી ભેગા કરેલા 50 લાખ રૂપિયા પણ રૂણ હિરાબા વૃધ્ધાશ્રમમાં દાન કરતા આ દાનવીરની ચર્ચા ચારે કોર થઈ રહી છે.
ADVERTISEMENT
ખેડાના પી.ડી પટેલ શિક્ષક તરીકે નોકરી કરતા
પોતાના જીવનના ઉતાર ચઢાવ જોયા પછી બીજાના દુઃખને પોતાનું સમજી પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર ઘણા ઓછા લોકો હોય છે. પણ NRI અને ખેડા જીલ્લાના વસો તાલુકાના નાનકડા ગામ એવા રામપુરના વતની પી.ડી.પટેલની દાનની સરવાણી અદાણી કે અંબાણી કરતા ઓછી નથી. મૂળ વસોના નાનકડા ગામ રામપુરના વતની અને હાલ વસો રહેતા પી.ડી.પટેલ એટલે કે, પુરુષોત્તમ દેસાઈભાઈ પટેલનો ઉછેર સામાન્ય ખેડૂત કુટુંબમાં થયો. શરૂઆતનું જીવન આર્થિક સંકડામણ વાળી હતું. છતાંય ક્યારેય કોઈ પણ પરિસ્થિતિમાં હાર ન માનનાર પી.ડી.પટેલે એમ.એસ.સી.બી.એડ નો અભ્યાસ કરી શરૂઆતમાં શિક્ષક તરીકે નોકરી કરી હતી.
એકલા અમેરિકા ગયા અને મહેનતથી સંપત્તિ કમાયા
સ્વભાવે સાહસિક હોવાથી તેઓ નોકરી છોડી એકલા અમેરિકા ગયા. અને ત્યાં પણ વર્ષો સુધી સંઘર્ષ કરી પોતાના આખા કુટુંબને અમેરિકા સ્થાયી કર્યું, રાત દિવસ નોકરી-ધંધો કરી ખૂબ સંપત્તિ કમાયા. બાદમાં તેમના બે દિકરા અમેરિકામાં સ્થાયી થતાં પોતાના વતનથી જોડાયેલા હોવાથી તેમણે વતનની વાટ પકડી. છેલ્લા 10 વર્ષથી તેઓ પોતાના વતનમાં સ્થાયી થયા છે. પી.ડી.પટેલ કે જે સ્વભાવે દયાળુ અને પરોપકારી હોઈ શરૂઆતમાં અનેક નાની-મોટી સંસ્થાઓમાં દાન કર્યું. પણ તેમને એકલવાયું જીવન જીવતા વડીલો માટે વૃધ્ધાશ્રમ કરવાની ઈચ્છા થઈ, અને વસો પાસે આવેલ રૂણ ગામે બે વર્ષ પહેલાં ત્રણ કરોડનો ખર્ચ કરી અદ્યતન વૃધ્ધાશ્રમ બનાવ્યું.
નિવૃત્તિ બાદ આવ્યા વતનનું ઋણ ચૂકવવા
આ વૃદ્ધાશ્રમમાં 12 અદ્યતન રૂમ, સત્સંગ હોલ, કીચન, સ્ટોર રૂમ, ગાર્ડન અને કુદરતી વાતાવરણમાં વડીલો રહી શકે એવું બાંધકામ કરાયું છે. જેનું નામ આપ્યુ રૂણ હિરાબા વૃધ્ધાશ્રમ. જેના મુખ્ય દાતા અને ટ્રસ્ટના પ્રમુખ પણ તેઓ છે. પોતના જીવનની તમામ મૂડી વૃધ્ધાશ્રમ માટે આપી દીધી અને વૃધ્ધાશ્રમમાં કોઈ પણ વડીલ રહી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે તેઓ હંમેશા કંઈને કંઈ વ્યવસ્થા કરાવતા. જોકે પી.ડી.પટેલ અમેરિકાના સીટીઝન હોય તેમને સોશિયલ સિક્યોરિટી પેન્શન મળી રહ્યું છે.
પેન્શનની 50 લાખની રકમ વૃદ્ધાશ્રમમાં આપી દીધી
ત્યારે તાજેતરમાં જ પી.ડી.પટેલે છેલ્લા થોડા વર્ષોમાં આવતા સોશિયલ સિક્યોરિટી (SS) પેન્શનની રકમ 50 લાખ થતાં તેઓએ આ રકમ પણ આ વૃધ્ધાશ્રમને અર્પણ કરી દીધી. જેને લઈ હાલ પી.ડી.પટેલને લોકો દાનવીર કર્ણથી પણ સંબોધિત કરી રહ્યા છે. આટલી બધી રકમ દાનમાં મળતાં દાતા પી.ડી.પટેલ વસો રામપુર વાળાનો સંસ્થાના સૌ સભ્યો અને આગેવાનોએ આભાર માન્યો છે. કારણ કે પોતાની આજીવનની બચતમાંથી વૃધ્ધાશ્રમ તો બાંધ્યુ પણ એ વૃધ્ધાશ્રમમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે પોતાનુ પેન્શન પણ વાપરી રહ્યા છે.
ADVERTISEMENT