સુરત: ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે અમરનાથ યાત્રાને અસર થઈ છે. વરસાદ વચ્ચે ભૂસ્ખલનની ઘટનાઓ સતત બની રહી છે. જેમાં વધુ એક ગુજરાતી યાત્રાળુનું ભૂસ્ખલનના કારણે પથ્થર વાગતા મોત થયું છે. મૂળ સુરતના અને વર્ષોથી અમેરિકામાં રહેતા ઊર્મિલાબેન મોદીનું જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં માથામાં પથ્થર વાગતા મોત થયું છે. જ્યારે અન્ય બે જવાનો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઊર્મિલાબેનના મૃતદેહને અમકનાથથી સુરત લાવવા માટે હાલમાં પ્રયાસો ચાલી રહ્યા છે અને હવાઈ માર્ગે તેમના મૃતદેહને કામરેજમાં લાવવામાં આવશે.
ADVERTISEMENT
દોઢ મહિના પહેલા ગુજરાત આવ્યા હતા
ઊર્મિલાબેનના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેઓ છેલ્લા 10 વર્ષથી પતિ સાથે અમેરિકાના ટેનેસીમાં રહેતા હતા. તેમને સંતાનમાં ચાર દીકરી અને એક દીકરો છે, જેઓ પણ અમેરિકામાં જ રહે છે. દોઢ મહિના પહેલા જ ઊર્મિલાબેન પતિ ગીરિશભાઈ મોદી સાથે પાંચ-છ મહિના માટે સુરતના કામરેજમાં આવ્યા હતા. ગત 5 જુલાઈના રોજ તેઓ અમરનાથ યાત્રાએ જવા માટે રવાના થયા હતા.
માથામાં પથ્થર વાગતા ઈજા પહોંચી હતી
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા અપાયેલી જાણકારી મુજબ, મૃતક મહિલની ઉંમર 53 વર્ષ છે અને તેમનું નામ ઊર્મિલાબેન મોદી છે. ગઈકાલે અનંતનાગમાં પહાડ પરથી મોટો પથ્થર પડ્યો હતો જેમાં ઊર્મિલાબેનને માથામાં ઈજા પહોંચી હતી અને તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તો મોહમ્મદ સાલેમ અને મોહમ્મદ યાસીન નામના બે જવાનો ઈજાગ્રસ્ત થઈ જતા તેમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ પહોંચવાડવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, અમરનાથા યાત્રામાં એક અઠવાડિયામાં આ ત્રીજા યાત્રાળુંનું મોત થયું છે. આ પહેલા 9 જુલાઈના રોજ વડોદરાના વેમાલી ગામના રાજેન્દ્ર ભાટીયાનું ખૂબ જ ઠંડી અને ઓક્સિજન ઘટી જતા મોત થયું હતું. તો 13 જુલાઈના રોજ ભાવનગરના સિદસર ગામના વતની અન શિલ્પાબેન ડાંખરાનું અમરનાથ યાત્રા દરમિયાન લોવર વેલી ખાતે મોત થયું હતું.
ADVERTISEMENT