અમદાવાદ : કોંગ્રેસનાં હજી પણ 6-8 જેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાવાના છે તેવી અટકળો વચ્ચે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ લલિત કગથરાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. કગથરાએ દાવો કર્યો કે, કોંગ્રેસનાં 6 ધારાસભ્યો કોંગ્રેસ છોડે તેવી શક્યતા છે. જો કે આ માત્ર અને માત્ર અફવા છે. એક તરફ ભાજપ કોંગ્રેસ મુક્ત ભારત કરવાની વાતો કરે છે પરંતુ સ્થિતિ એવી છે કે હાલ ભાજપ જ કોંગ્રેસ યુક્ત થઇ ચુક્યું છે. અમે કોઇ કોંગ્રેસીને લઇશું નઇ તેવા ખોંખારા ખઇ ખઇને એક પછી એક કોંગ્રેસીઓને ભાજપ લઇ રહ્યું છે. હાલ ભાજપમાં 70 ટકા લોકો કોંગ્રેસનાં છે. ભાજપનાં મુળ કાર્યકર્તાઓ તો બિચારા ગુંગળાઇ રહ્યા છે અને દબાઇ રહ્યા છે.
ADVERTISEMENT
એક પણ સભ્ય ભાજપમાં જોડાય તેવી શક્યતા નહીવત્ત છે
આ ઉપરાંત લલિત વસોયા અને ક્રોસ વોટિંગ અંગે પુછતા તેમણે કહ્યું કે, વસોયા ક્યાંય જવાના નથી. લલિત વસોયા પણ કોંગ્રેસમાં છે અને લલિત કગથરા પણ કોંગ્રેસમાં જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિકના ગયા બાદ 6થી8 ધારાસભ્યો તેના સંપર્કમાં હોવાની અટકળો સામે આવી હતી. બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસવોટિંગ કર્યાનું સામે આવ્યા બાદ આ ધારાસભ્યો ભાજપમાં જાય તેવી અટકળોને વધારે હવા મળી હતી. જેના પગલે રાજનીતિ પણ તેજ થઇ ગઇ હતી.
ભાજપની પોતાની પાસે લડવાની ત્રેવડ નથી
જો કે લલિત કગથરાએ કહ્યું કે, ભાજપની પોતાની પાસે ચૂંટણી લડવાની ત્રેવડ નથી તેના કારણે તેઓ કોંગ્રેસનાં સભ્યો ખેડવીને ચૂંટણી જીતવા માટેની રણનીતિ પર કામ કરી રહ્યા છે. આ લોકો કોઇ પણ પ્રકારે ચૂંટણી જીતવા માંગે છે. આ લોકો પોતાના દમ પર ચૂંટણી જીતી શકે તેવી હાલતમાં જ નથી. મોટી મોટી વાતો કે અમે કોઇ કોંગ્રેસીઓને લઇશું નહી અને કોંગ્રેસ મુક્ત ભારત બનાવવું છે પરંતુ હાલ તો ભાજપને કોંગ્રેસ મુક્ત થવાની જરૂર છે. આ લોકો પોકળ દાવાઓ કરી શકે છે. અમારો એક પણ ધારાસભ્ય હવે ભાજપમાં જવાનો નથી.
ADVERTISEMENT