Patan News: પાટણમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી બનાવવા માટે 1987માં મૈયત યુસુફ નુરમહંમદ નાંદોલિયા પાસેથી ફાર્મહાઉસ, બંગલો સહિત 12 વિઘા જમીન સંપાદન કરવામાં આવી હતી. આ માટે નક્કી કરેલા વ્યાજ સાથે 14.54 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હતી, જોકે યુનિવર્સિટી દ્વારા માત્ર 3.28 કરોડ રૂપિયા ચૂકવાયા હતા. આથી બાકીના 11.54 કરોડની ચૂકવણી માટે કોર્ટે મિકલત જપ્તિનું વોરંટ કાઢતા યુનિવર્સિટીના સત્તાધીશોમાં દોડધામ મચી ગઈ હતી. આખો દિવસ દોડધામ બાદ અનેક પ્રયાસો પછી રાત્રે 10 વાગ્યે યુનિવર્સિટીનો ચેક બેલિફે સ્વીકારતા મામલો શાંત પડ્યો હતો.
ADVERTISEMENT
વળતર માટે ખેડૂતે સુપ્રીમ કોર્ટ સુધી લડત લડી
વિગતો મુજબ, યુનિવર્સિટી બનાવવા માટે જમીન આપનાર ખેડૂતને વળતર ઓછું ચૂકવાયું હતું. જેની સામે તેણે મહેસાણા સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડી હતી. જેમાં જમીન માલિકની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. ગુજરાત હાઈકોર્ટે પણ 4 મહિનામાં વળતર ચૂકવી દેવા યુનિવર્સિટીને હુકમ કર્યો હતો. તેમ છતાં યુનિ.ના સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નહોતું. આખરે ખેડૂતે પાટણના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં દરખાસ્ત કરી હતી.
કોર્ટે વોરંટ ઈશ્યૂ કરી મિલકત જપ્તિનો આદેશ કર્યો
આથી પાટણના પિન્સિપાલ સીનિયર સિવિલ જજે હેમચંદ્રાચાર્ય યુનિ.ને વોરંટ ઈશ્યૂ કરીને કહેવાયું હતું કે, વ્યાજ સહિત 11 કરોડ 54 લાખ 16 હજાર 706 રૂપિયાની રકમ ચૂકવવામાં આવે અથવા અરજદાર બતાવે તે પ્રમાણે યુનિવર્સિટીની જંગમ મિલકતને જપ્ત કરવામાં આવે. જે બાદ ખેડૂત આ વોરંટ લઈને યુનિવર્સિટી આવ્યો અને રજીસ્ટ્રારને મળીને વોરંટની બજવણી કરી હતી. યુનિવર્સિટીના મિલકત જપ્તિની કાર્યવાહી શરૂ થતા જ સત્તાધીશો દોડતા થઈ ગયા હતા. ત્યારે આ મામલે ધારાસભ્ય કિરિટ પટેલ પણ ત્યાં દોડી આવ્યા હતા.
બેલિફે ચેક સ્વીકારતા જપ્તિ અટકી
જપ્તિની કાર્યવાહી શરૂ થતા જ રાતો રાત યુનિવર્સિટીએ 11.54 કરોડનો ચેક તૈયાર કરીને આપવાની તૈયારી બતાવી હતી. જોકે અરજદાર ખેડૂતે ચેક સ્વીકારવાની ના પાડી દેતા સત્તાધિકારીઓ રીતસરના દોડતા થયા હતા. આખરે બેલિફે ચેક સ્વીકારકતા વોરંટ બજવણીની પ્રક્રિયા અટકી હતી.
ખેડૂત ચેક લેવાથી કેમ નારાજ?
સમગ્ર મામલે અરજદારના વકીલનું કહેવું હતું કે, કોર્ટના આદેશ મુજબ વોરંટમાં જંગમ મિલકતની જપ્તિનો ઉલ્લેખ છે, તેમાં ચેકનો કોઈ ઉલ્લેખ નથી. જેથી ચેકનો કોઈ મતલબ નથી. યુનિવર્સિટીએ આપેલો ચેક બેલીફે સ્વીકાર્યો છે અમે આ બાબતે રાજી નથી. અમને શંકા છે કે ચેક કોર્ટમાં જમા થશે એટલે આ મેટરમાં હાઈકોર્ટમાંથી સ્ટે આવી જશે. જેથી અરજદારને સમયસર નાણા મેળવવામાં મુશ્કેલી પડશે. વકીલે આક્ષેપ કર્યો છે કે, બેલિફે ચેક સ્વીકારીને કોર્ટના આદેશનું અનાદર કર્યું છે.
ADVERTISEMENT