હેતાલી શાહ/ખેડા: મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ હાલ મેઘરાજાઓ થોડો વિરામ લીધો છે. વરસાદના કારણે નદી-નાળા છલકાઈ ગયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હાલ નદીમાં નવા નીર આવતા નદીઓ બે કાંઠે વહી રહી છે. ત્યારે ખેડા જીલ્લાની વાત્રક નદીમાં પણ નવા નીર આવતા નદી બે કાંઠે વહી રહી છે. એવામાં ખેડા તાલુકાના મોટા દેદરડાથી વાસણા ખુર્દ વચ્ચે વાત્રક નદી પર છેલ્લા દોઢ વર્ષથી બ્રિજ બનાવવાનુ કામ ચાલી રહ્યુ છે.
ADVERTISEMENT
8 કરોડના ખર્ચે બની રહ્યો છે બ્રિજ
આ બ્રિજ લગભગ 8 કરોડના ખર્ચે બની રહ્યો છે. અને હવે માત્ર છેલ્લા પીલ્લરનું કામ બાકી છે. આ બ્રિજ નીચેથી વાત્રક અને મેશ્વો બન્ને નદી વહી રહી છે. એવામાં વાત્રક નદીમાં નવા નીર આવતા પાણીનું વહેણ ખુબ હતુ. જેને લઈ દેદરડાથી વાસણા ખુર્દ ગામ વચ્ચે બની રહેલ બ્રીજનું સ્ટ્રકચર પાણીમાં ધોવાઈ ગયું. પાણીમાં તીવ્ર પ્રવાહના કારણે બ્રીજનું સ્ટ્રકચર પત્તાના મહેલની જેમ તૂટી પડ્યું. અને પાણીના પ્રવાહ સાથે બ્રિજનું સ્ટ્રકચર તણાતું હોય એવો વિડીયો સ્થાનિકોએ મોબાઈલમાં ઉતારી લીધો. હાલ આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશ્યલ મિડીયામા વાયરલ થઈ રહ્યો છે.
નદીમાં પાણી આવતા બ્રિજના સ્ટ્રક્ચરને નુકસાન
જોકે આ બ્રિજને કોઈ જ નુકશાન ન થયું હોવાનુ જણાઈ રહ્યું છે. આ વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, નદીમાં પાણીના વહેણમાં બ્રિજનું જે સ્ટ્રકચર હતું તે પત્તાના મહેલની જેમ પાણીમાં વહી જતું જોવા મળી રહ્યુ છે. જેને લઈ બ્રિજ બનાવતા કોન્ટ્રાક્ટરને નુકશાન થયું હોવાનુ જાણવા મળી રહ્યુ છે. જોકે આ ઘટનાથી બ્રિજને કોઈ નુકસાન છે કે નહીં તે બ્રિજનો લોડ ટેસ્ટ અને સ્ટ્રેન્થના રિપોર્ટ બાદ બહાર આવશે.
ADVERTISEMENT