Botad News: બોટાદના ગઢડા તાલુકાના નિગાળા રેલવે સ્ટેશન નજીક એક જ પરિવારના 4 લોકોએ ટ્રેન સામે પડતું મુકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ સામૂહિક આપઘાત કેસમાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ તમામે આર્થિક અને માનસિક તણાવમાં આપઘાત કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સાથે જ આપઘાત કરનારા ચારેય 307ના ગુનામાં જેલમાં હતા અને 6 દિવસ પહેલા જ જેલમાંથી જામીન ઉપર મુક્ત થયા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT
પિતા, પુત્ર અને બે પુત્રીએ કર્યો હતો આપઘાત
ગઈકાલે એટલે કે રવિવારે હાથના રુંવાડા ઉભા કરી નાખે એવો બનાવ બન્યો હતો. ગઈકાલે ગઢડા તાલુકાના નાના સખપર ગામે રહેતા મંગાભાઈ વાઘાભાઈ વિંજુડા (ઉ.વ 42)એ પુત્ર જીગ્નેશ ઉર્ફે જીગાભાઈ મંગાભાઈ વિંજુડા (ઉ.વ 19 ), પુત્રી સોનલબેન ઉર્ફે સોનીબેન મંગાભાઈ વિંજુડા (ઉ.વ 17), પુત્રી રેખાબેન ઉર્ફે રાધીબેન મંગાભાઈ વિજુડા (ઉ.વ 21) સાથે નિગાળા ગામ પાસે ટ્રેનની નીચે પડતું મુકીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સગાભાઈ સાથે થઈ હતી મારામારી
જે બાદ પોલીસે તપાસ આદરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, મૃતક મંગાભાઈ વાઘાભાઈ વિંજુડાને તેમના સગા મોટાભાઈ હિરાભાઈ સાથે મકાનની દિવાલની વાડ મામલે 16મી ઓગષ્ટ 2023ના રાત્રે મારામારી થઈ હતી. મારામારીમા મૃતક મંગાભાઈએ તેમના મોટાભાઈ હિરાભાઈને માથાના ભાગે ધાર્યું મારતા હિરાભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી.
મૃતકો સામે નોંધાયો હતો ગુનો
જે બાદ મૃતક મંગાભાઈ વાઘાભાઈ વિંજુડા, જીગ્નેશ ઉર્ફે જીગાભાઈ મગાભાઈ વિંજુડા, સોનલબેન ઉર્ફે સોનીબેન મંગાભાઈ વિંજુડા, રેખાબેન ઉર્ફે રાધીબેન મંગાભાઈ વિજુડા વિરુદ્ધ 307 કલમ હેઠળ ગઢડા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
6 દિવસ પહેલા જામીન ઉપર થયા હતા મુક્ત
આ અંગે કેસ ચાલી રહ્યો હતો. 6 દિવસ પહેલા જ આ ચારેય મૃતકો જામીન પર છુટીને ઘરે આવ્યા હતા. અચાનક તેઓએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક મંગાભાઈના પત્નીનું આશરે 6 માસ પહેલા જ મૃત્યુ થયું હતું. હાલ રેલવે તથા સ્થાનિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
(ઈનપુટ: રઘુવીર મકવાણા, બોટાદ)
ADVERTISEMENT