હેતાલી શાહ/ખેડા: રુંવાટા ઉભા કરી દે તેવી ઘટના નડિયાદ નજીક આવેલા કણજરી ગામેથી સામે આવી છે. નડિયાદની કણજરી નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નવજાત બાળકના છુટા અંગો અને મૃત બાળક મળી આવતાં ચકચાર મચી છે. નવજાત બાળકને જીવિત કે મૃતપાય હાલતમાં ત્યજી દેવાયું હોવાની શંકા સેવાઈ રહી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં કામ કરતા મજૂરે સુપરવાઇઝરને જાણ કરતા તેમણે નગરપાલિકાના અધિકારીઓને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. અને આ મામલે ચકલાસી પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
પાપ છુપાવવા નવજાતને મોતના મુખમાં ધકેલી દીધું
એક તરફ દેશ 77માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી રહ્યું છે. સમગ્ર દેશ આઝાદી પર્વ રંગેચંગે મનાવી રહ્યો છે. તો બીજી તરફ હજીય કેટલાક એવા લોકો છે જે માનવતા પણ નેવે મૂકી સંકૂચીત માનસિકતાથી આઝાદી નથી મેળવી. જેને લઈ માનવતાને શર્મસાર કરે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ખેડા જીલ્લાના નડીયાદની નજીક આવેલ કણજરી ગામમા આવી જ એક ચોંકાવનારી ઘટના આજે સામે આવી છે. જેમા કોઈ નિષ્ઠુર જનતાએ પોતાનુ પાપ છુપાવવા નવજાતને ત્યજી દીધુ. ત્યજીદીધુ તો ઠીક પણ ગટરમા ફેંકી દઈ માનવતા નેવે મૂકી દીધી.
કામદારોને ગટરમાંથી મળ્યા અંગો
આ ઘટના ત્યારે સામે આવી જ્યારે કણજરી નગરપાલિકામાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ રોજની જેમ આજે ફરી શરૂ કરવામા આવ્યો. દરમ્યાન કામદારોના ધ્યાને નવજાત બાળકના મૃત અંગો પડતા તેઓ ચોંકી ગયા, અને તુરંત સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝરને જાણ કરી હતી. સુપરવાઈઝર ધ્વારા ચકલાસી પોલીસને જાણ કરાતા ચકલાસી પોલીસ તથા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને તપાસ કરી તો એક નવજાત મૃત બાળક અને ક્ષત વિક્ષત હાલતમાં તેના અંગો મળી આવ્યા. જેને લઈ હાલ ગામમાં ચકચાર મચી છે.
પોલીસે હોસ્પિટલના રેકોર્ડના આધારે તપાસ આદરી
આ અંગે ચકલાસી પી.એસ.આઈ પરાક્રમસિંહ પરમાર સાથે ગુજરાત તકની ટીમે ટેલીફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યુ કે, “કણજરી નગરપાલિકામાં કણજરી ગામના તમામ ગટરના પાણી પાલિકાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આવે છે. જેમાં કચરો અલગ થાય છે. ગત રોજ કર્મચારીઓ પ્લાન્ટ બંધ કરીને ગયા હતા. આજે સવારે આવ્યા અને પ્લાન્ટ શરૂ કરવા જતા હતા અને પ્લાન્ટના કચરામાં મૃત બાળકના અંગો જોવા મળ્યા હતા. જેની જાણ અમને કરતા અમે ઘટના સ્થળે પર પહોંચી તપાસ હાથ ધરી છે. હાલ તો આ અંગે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝરની ફરીયાદના આધારે તપાસ કરી રહ્યા છે. આ પ્લાન્ટમા કણજરી ગામની ગટરોનું જ પાણી આવતુ હોય બની શકે કે, કોઈ વ્યકિતએ ગામની કોઈ ગટરમાં નવજાત નાખી દીધુ હશે. હાલ તમામ હોસ્પિટલના રેકોર્ડ તપાસી રહ્યા છે. તપાસ બાદ હકીકત શું છે તે સામે આવશે.” પરંતુ હાલ આ ઘટના માનવતાને શરમાવે તેવી સામે આવતા લોકોમા પણ રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT