નવસારીમાં યુવકે લીધો ભાઈની હત્યાનો ભયાનક બદલો, હત્યારાને મિત્રને 5 કરોડની સોપારી આપી મર્ડર કરાવ્યું

Navsari News: નવસારીના બીલીમોરા શહેરમાં ગેંગવોરમાં વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. 2021 માં થયેલ નિમેષ પટેલની હત્યા બાદ તેના ભાઈએ બદલાની ભાવના સાથે રૂપિયા…

gujarattak
follow google news

Navsari News: નવસારીના બીલીમોરા શહેરમાં ગેંગવોરમાં વધુ એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. 2021 માં થયેલ નિમેષ પટેલની હત્યા બાદ તેના ભાઈએ બદલાની ભાવના સાથે રૂપિયા 5 કરોડની સોપારી આપી નિમેષ પટેલના 13 હત્યારાઓ પૈકી 1 ભૌતિક પટેલની હત્યા કરાવી દીધી હોવાનો 7 મહિના બાદ ખુલાસો થયો છે. નવસારી ક્રાઇમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી 6 લોકોની ધરપકડ કરી લીધી છે.

18 એપ્રિલે ભૌતિક પટેલ નામનો યુવક ગુમ થયો હતો

નવસારીમાં ગત 18 એપ્રિલ 2023ના રોજ ગણદેવી તાલુકાના છાપર ગામના દેસાઈ ફળીયા ખાતે રહેતો ભૌતિક ઉર્ફે ભાવુ ગણપત કોળી પટેલ ગુમ થયો હોવાની પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરવા છતાં ભૌતિકની કોઈ ભાળ મળી ન હતી. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નવસારી એલસીબીને તપાસ સોંપવામાં આવી હતી. જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનીકલ સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. જેમાં અમલસાડના હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલની અટક કરી પુછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને પોતે તેના અન્ય 3 મિત્રો સાથે મળીને ભૌતિક પટેલની ગત 7 એપ્રિલના રોજ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું.

ભૌતિકના મિત્રને 5 કરોડની સોપારી આપી મર્ડર કરાવ્યું

સમગ્ર ઘટનાને અંજામ આપવા માટે ત્રણ હત્યારાઓ હર્ષ ઉર્ફે સિકંદર ટંડેલ અને આદર્શ પટેલ તેમના મિત્ર મનીષ ઉર્ફે ગુડ્ડુ ગણદેવી ચાર રસ્તા ખાતે આવેલા ભાડાના ફ્લેટમાં 6 એપ્રિલના રોજ ભેગા થયા હતા. ત્યાં ભૌતિક ઉર્ફે ભાવુ પટેલને બોલાવી ચપ્પુ અને તલવાર જેવા હથિયારથી હત્યા કરી દીધી હતી. હત્યા બાદ બીજા દિવસે હત્યારાઓ લાશને અમલસાડથી બીલીમોરા જતા રેલવે ટ્રેકની બાજુમાં ભેંસલા ગામની હદમાં સરકારી પડતર જગ્યામાં તેમના અન્ય બે મિત્રો સતીષ પટેલ અને ગિરીશ પાઠકની સાથે જમીનમાં ખાડો ખોદી દાટી દીધી હતી. જેના બે દીવસ બાદ ફરી તે જગ્યાએ જઈ જોતા લાશના પગ બહાર દેખાતા આખરે લાસના અડધા ભાગને પેટ્રોલ અને લાકડા થી સળગાવી દીધી હતી. પોલીસે સિકંદરને દફન કરેલ સ્થળ ઉપર લઈ જઈ તેના કંકાલ બહાર કાઢી ફોરેન્સિક તપાસ કરાવી છે. અને સિકંદરના સ્ટેટમેન્ટના આધારે અન્ય પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

8 લોકો સામે પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો

પોલીસના જણાવ્યા મુજબ સિકંદરને આ હત્યા કરવા માટે બીલીમોરા આંતલીયા ખાતે રહેતા કલ્પેશ પટેલે રૂપિયા 5 કરોડની સોપારી આપી હતી. કેમકે ભૌતિક અને તેના અન્ય 12 જેટલા સાથીઓએ વર્ષ 2021માં કલ્પેશ પટેલના ભાઈ નિમેષ પટેલની હત્યા કરી હતી. પોલીસે હાલ 8 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી 6 જેટલા હત્યારાને ઝડપી પાડ્યા છે. તો હત્યા કરવા માટે સોપારી આપનાર કલ્પેશ પટેલ અને આદર્શ પટેલને ફરાર બતાવ્યા છે.

ગેંગવોરમાં બદનામ નવસારીના બીલીમોરમાં જામીન ઉપર છૂટેલા હત્યાના 13 આરોપી પૈકી 1 ની હત્યાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. ત્યારે પોતાના ભાઈની હત્યાનો બદલો લેવા માટે કરોડોની સોપારી આપનાર કલ્પેશ પટેલને પકડવા માટે પોલીસ આકાશ પાતાળ એક કરી રહી છે.

(રોનક જાની, નવસારી)

 

 

    follow whatsapp