નવસારીઃ મોરબીમાં બનેલી ઘટનાને કારણે ગુજરાતના ભાવનગર, અમદાવાદ સહિતના કેટલાક બ્રિજ પર શું સ્થિતિ છે અને કઈ કઈ તકેદારીઓ લેવી તે તમામ નિર્ણયો તંત્ર કરતું થઈ ગયું છે. જોકે આવો કોઈ વિચાર જાણે નવસારીના તંત્રને આવી રહ્યો ન હોય તેવું ભાસે છે. નવસારી અને સુરતને જોડતો પૂર્ણા નદી પર આવેલો વીરાવળ ગામ નજીકનો પુલ વર્ષ 1978માં લોકો માટે ખુલ્લો મુકાયો હતો. ગાયકવાડી શાસનમાં બનાવાયેલા આ બ્રિજને હાલમાં પણ ઉપયોગમાં લેવાય છે. છતાં હાલ તેની હાલત ખખડધજ થઈ ગઈ છે.
ADVERTISEMENT
બ્રિજની રેલિંગનો ઘણો ભાગ તૂટી ગયો
પૂર્ણા નદી પર બનેલા આ બ્રિજ પરથી લગભગ રોજના 40થી 50 હજાર વાહનોની અવરજવર થાય છે. જોકે તેની દેખરેખ એવી રાખવામાં ન આવતી હોવાને કારણે બ્રિજની હાલત એવી થઈ ગઈ છે કે તેની રેલિંગ લગભગ બે ત્રણ ફૂટ ઊંચી થઈ ગઈ છે. તે જર્જરિત હાલતમાં છે. અમુક ભાગમાં તો વાહનનોના અકસ્માત પછી રેલિંગ જાણે સાવ તૂટી ગઈ હોય તેવી છે. પુરની સ્થિતિમાં તો પાણી 25 ફૂટ કરતા પણ ઊંચુ આવી જતું હોય છે. જેના કારણે પીલરોમાં પણ પાણી જતા હોય છે. જોકે હવે આટલા જુના પુલમાં પાણીને કારણે પીલર પણ હવે જોખમી બની ગયા હોય તેવું લાગી રહ્યું છે.
ઘણા બ્રિજની ચિંતાઓ કરી નવસારીની પણ કરી લો
મોરબીની ઘટના પછી જ્યાં તંત્રએ આ બ્રિજ પર ધ્યાન આપવું વધુ જરૂરી બની ગયું છે છતા હજુ સુધી કોઈ નક્કર પગલા જોવા મળી રહ્યા નથી. મોરબીની ઘટના પછી તો આ બ્રિજની આસપાસ જવું પણ ડરામણું લાગે છે. આ જર્જરિત પુલ અંગે ઘણી વખત રજૂઆતો થઈ ચુકી છે પરંતુ તંત્રની કોઈ સચોટ કામગીરી ન જોવા મળતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી છે. ઉલ્લેખનીય છે કે મોરબીની ઘટના પછી અમદાવાદના અટલ બ્રિજ પર સહેલાણીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો, દ્વારકાના સુદામા સેતુને પણ ફિટનેસ સર્ટિફિકેટ આવે નહીં ત્યાં સુધી બંધ કરવામાં આવ્યો અહીં સુધી કે ભાવનગર કલેક્ટરે પણ જાતે સ્ટેઈડ પુલની ચકાસણી કરી તેની વિગતો મેળવી જરૂરી માહિતીઓ એકત્ર કરી હતી. માંડવીના રુકમાવતી નદી પર આવેલા 150 વર્ષ જુના બ્રિજને બંધ કરવામાં આવ્યો. વડોદરાના તંત્રએ પણ કમાટીબાગ પરના કેબર સ્ટે બ્રિજને મોનિટરિંગમાં મુકવાની સૂચના આપી દીધી. આવી જ રીતે નવસારીનું તંત્ર પણ સજાગ થાય તેવી લોકોની લાગણી છે.
ADVERTISEMENT