Narmada News: નર્મદા જિલ્લાના વિકાસ કામોના આયોજન અંગેની બેઠકમાં ચુટાયેલી સંસદ સભ્યો, ધારાસભ્ય, અને જિલ્લા તથા તાલુકા પંચાયતના પ્રમુખોની જાણ બહાર કરવામાં આવતા પદાધિકારીઓમાં રોષ પેદા થયો છે. નર્મદા કલેક્ટરની હાજરીમાં જિલ્લાના વિકાસના કામોની રિવ્યૂ બેઠકમાં સાંસદ, ધારાસભ્ય કે જિલ્લા પંચાયત પ્રમુખને કેમ જાણ ન કરાઈ સહિત અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
બેઠકની વાતો ગુપ્ત રાખવાની ચર્ચાએ જોર પકડ્યું
તો બીજી બાજુ આ બેઠકમાં હાજર અધિકારીઓની કામગીરી વાતો લીક ના થાય એ માટે માહિતી વિભાગને પણ જાણ કરવામાં આવી નહીં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એટલે આ બેઠક કેટલી ગુપ્ત રાખવામાં આવી એ સમજી શકાય. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જ વિકાસના કામોમાં અધિકારીઓ કોન્ટ્રાકટર પાસેથી કટકી ખાતા હોવાની ઉચ્ચ કક્ષાએ ફરીયાદ કરી હતી. જ્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ નર્મદા જિલ્લા આયોજન અધિકારી વિરુદ્ધ ગંભીર આક્ષેપો પણ કર્યા હતા.
પ્રજાના પ્રતિનિધિઓને અધિકારીઓએ બોલાવ્યા જ નહીં
તો આ બાબતે નર્મદા જિલ્લા કલેકટરે કહ્યું, બેઠક વિકાસના કામોના આયોજન માટેની નહોતી, આયોજન અંગેની બેઠક હોત તો અમે ચૂંટાયેલા પદાધિકારીઓને જરૂર જાણ કરી હોત. આ બેઠક તો ઓફિશિયલ બેઠક હતી, જેમાં વિકાસનાં કેટલાં કામો પ્રગતિમાં છે કેટલાં કામો બાકી છે ફકત એ જ ચર્ચા કરવામાં આવી હતી. એટલે ચૂંટાયેલા પદાધિકારીઓને જાણ કરી નથી.
સાંસદ મનસુખ વસાવાના કલેક્ટર પર આરોપ
જ્યારે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, નર્મદા કલેક્ટર ખોટુ બોલે છે, આયોજનના રિવ્યુ અંગેની નહિ પણ કામોના આયોજન અંગેની બેઠક હતી. સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં અપાતી ગ્રાન્ટ અને વિદેશમંત્રી જયશંકરની ગ્રાન્ટના આયોજનની બેઠક હતી. નર્મદા જિલ્લાના ઈતિહાસમાં આ પહેલી બેઠક એવી હશે જેની તંત્રએ ચૂંટાયેલા પદાધિકારીઓને જાણ કરી નથી. હું નર્મદા કલેકટરનું આ મુદ્દે ધ્યાન દોરીશ અને તપાસ કરાવીશ.
(નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)
ADVERTISEMENT