Narmada News: રાજપીપળાના કેવડિયા પાસે નિર્માણ પામી રહેલા ટ્રાઈબલ મ્યુઝિયમમાં કોન્ટ્રાક્ટર દ્વારા ચોરીની શંકાએ ઢોર મારવામાં આવતા બે સ્થાનિક યુવકોના મૃત્યુ થયા હતા. જેના વિરોધમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ મંગળવારે કેવડિયા બંધનું એલાન આપ્યું છે તથા મૃતકોને જાહેરમાં શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજીત કર્યો છે. જોકે, આ કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી નથી. કેટલાક નેતાઓને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે. તો નર્મદા જિલ્લાના કેવડિયા જતાં તમામ રસ્તાઓ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ચૈતર વસાવાને કરાયા નજરકેદ
કેવડિયા ખાતે આદિવાસી મ્યુઝિયમમાં બે યુવાનોના મૃત્યુ નિપજતાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કેવડિયા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જોકે, નર્મદા પોલીસે શ્રદ્ધાંજલી અને રેલી કાઢવાની પરમિશન આપી નથી. જેના કારણે બોગજમાં ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે રાજપીપળા આવતાં રોકી લીધા છે. પોતાના ઘરે બોગજ ગામે પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવાને નજર કેદ કર્યા છે.
અનંત પટેલ અને સુખરામ રાઠવા પણ નજરકેદ
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પણ નજર કેદ કરવામાં આવ્યા છે. અનંત પટેલને પણ તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે. કેવડિયામાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જનારા ગુજરાત કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાને પણ પોલીસે તેમના ઘરે નજર કેદ કર્યા છે. કોંગ્રેસના આગેવાન રણજીત તડવી અને શૈલેષ તડવીને ડિટેઇન કરાયા છે.
મૃતકના પિતાનો વીડિયો વાયરલ
તો બીજી બાજુ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ પહેલા જ મૃતકના પિતાના વીડિયો વાયરલ થયા છે, જેમાં તેઓ જણાવ્યું છે કે તેઓનો 13 ઓગસ્ટે કોઈ કાર્યક્રમ નથી, અને કંઈ પણ થાય તો તેઓ જવાબદાર નથી. સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં લખ્યું ચૈતર વસાવા રાજકીય એજન્ડા સેટ કરવા આદિવાસી ભાઈ બહેનોને ઉશ્કેરે છે.
શું છે સમગ્ર મામલો?
કેવડીયા કોલોની ખાતે દેશનું એકમાત્ર આદિવાસી મ્યુઝિયમ 257 કરોડના ખર્ચે બની રહ્યું છે. ત્યારે ગત મંગળવારના રોજ રાત્રિના સમયે બે સ્થાનિક યુવકો સંજય તડવી અને જયેશ તડવી મ્યુઝિયમની બાંધકામની સાઈડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ ચોરીની શંકા કરી તેમના પકડી હાથ-પગ બાંધી દીધા હતા. જે બાદ કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં તેમને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. તો સંજય ગજેન્દ્ર તડવીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મૃત્યુ નિપજ્યું હતું.
પોલીસે 6 લોકો સામે નોંધ્યો છે ગુનો
આ બનાવ બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ વ્યાપી ગયો હતો. તો પરિવારજનોએ પણ આરોપીઓને ફાંસીની માંગ કરી હતી.
આ ઘટના મામલે ગરુડેશ્વર પોલીસે 6 લોકો વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. જે બાદ તમામની ધરપકડ કરવામાં આવી હતી.
ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા
ADVERTISEMENT