Narmada News: કેવડીયા કોલોનીના એકતા નગરમાં આદિવાસી મ્યુઝિયમની બાંધકામ સાઈટ પર ચોરીની શંકાએ બે યુવકોને દોરડાથી બાંધીને લોખંડની પાઈપો અને સળિયાથી માર મારતા બંને યુવકોના મોત નિપજતાં ખળભળાટ મચી ગયો છે. બંને યુવકોના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, તો પરિવારે આરોપીઓને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
ADVERTISEMENT
ચોરીની શંકાએ બંનેને પકડી લીધા
મળતી માહિતી અનુસાર, કેવડીયા કોલોની ખાતે દેશનું એકમાત્ર આદિવાસી મ્યુઝિયમ 257 કરોડના ખર્ચે બની રહ્યું છે. ત્યારે ગત મંગળવારના રોજ રાત્રીના સમયે બે સ્થાનિક યુવકો સંજય તડવી અને જયેશ તડવી મ્યુઝિયમની બાંધકામની સાઈડ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં કામ કરતા 6 લોકોએ ચોરીની શંકા કરી તેમના પકડી હાથ-પગ બાંધી દીધા હતા.
કોન્ટ્રાક્ટરોએ માર્યો ઢોર માર
જે બાદ કોન્ટ્રાક્ટરોએ ચોરીના બહાને બંને સ્થાનિક આદિવાસી યુવાનોને ઢોર માર માર્યો હતો. આ ઘટનામાં જયેશ શનાભાઈ તડવી બેભાન થઈ જતાં તેને ગરુડેશ્વર સરકારી દવાખાને લઈ જવાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. તો સંજય ગજેન્દ્ર તડવીને રાજપીપળાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ આજે મૃત્યુ નિપજ્યું છે.
6 લોકો સામે નોંધાઈ ફરિયાદ
જે બાદ ગરુડેશ્વર પોલીસે આ મુદ્દે 6 લોકો વિરુદ્ધ હત્યા, હત્યાની કોશિશ, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. તો આ ઘટનાની જાણ થતાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ મૃતકોના પરિવારને મળવા રાજપીપળા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મૃતકના પરિવારને ભેટીને પોતે પણ રડી પડ્યા હતા.
ધારાસભ્ય મૃતકના પરિવારને ભેટીને રડી પડ્યા
આ સાથે જ તેઓએ જણાવ્યું હતું કતે, આ મામલે એકપણ આરોપીને છોડવામાં નહીં આવે. મેં મુખ્યમંત્રી સુધી જાણ કરી છે. તો બીજી બાજુ મૃતકના પરિવારે કહ્યું કે, અમારી માંગણી છે કે જે અમારા બે દીકરા સાથે જેમણે આ કર્યું તેમને ફાંસીની સજા થાય તેમજ આ કોન્ટ્રાક્ટ પણ રદ થવો જોઈએ.
ઈનપુટઃ નરેન્દ્ર પેપરવાલા, નર્મદા
ADVERTISEMENT