હેતાલી શાહ.આણંદઃ બિપોરજોય વાવાઝોડા સામે સરકાર હાલ પોતાની કામગીરીઓને લઈને ઘણી ખુશ છે અને થવા જેવું પણ ખરું, અગમચેતીથી ઘણું બચી શક્યું છે પણ આ બિપોરજોય લોકોના જીવનમાંથી બીજું શું શું છીનવી ગયું છે તે તેના પીડિતોના આંસુ જ કહી રહ્યા છે. નડિયાદ શહેરમાં વીજ થાંભલો પડવાથી પાંચ પશુઓના મોત થયા છે. રાજેન્દ્ર નગર મોભા તળાવ પાસે ચાલુ વીજ થાંભલો પડતા કરંટ લાગવાથી પશુઓના મોત થતા સ્થાનીકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બે ભેંસ એક પાડી તેમજ બે શ્વાનના કરંટ લાગવાથી મોત થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર MGVCLને જાણ કરવા છતાં સમયસર ન પહોંચતા પશુઓના મોતનો પશુપાલકોએ આક્ષેપ કર્યો છે. વીજ થાંભલો પડ્યાની જાણકારી આપ્યા બાદ તુરંત વીજ પ્રવાહ બંધ ન કરાતા પશુઓના મોત થયા છે. MGVCL ને ટેલીફોનિક તેમજ રૂબરૂ જાણ કર્યાના ત્રણ કલાક બાદ સ્થળ પર પહોંચ્યા હતા. જેને લઈ પશુપાલકો દ્વારા વળતરની માંગ કરાઈ છે. આ તરફ પોતાના પશુઓના મૃત્યુથી જેના પર જીવાદોરી નભેલી હતી તે સર્વસ્વ લૂંટાઈ ગયાનો અહેસાસ થતા અહીં એક મહિલાએ ધ્રુસ્કેને ધ્રુસ્કે રડવાનું શરૂ કરી દીધું હતું. જોકે આ જડ તંત્ર ગરીબનું ક્યારે થશે તે સવાલ દરેક આંખોએ પુછ્યો હતો.
ADVERTISEMENT
પશુપાલકોમાં કેમ રોષ?
ખેડા જિલ્લામાં બિપરજોય વાવાઝોડુ આફત લઈને આવ્યું છે. વાવાઝોડું કચ્છમાં ત્રાટક્યુ જોકે તારાજી કચ્છથી 450 થી 500 કિલોમીટર દૂર પણ સર્જાઈ છે. વાવાઝોડાને કારણે તેજ પવન ફૂંકાતા નડિયાદના ખેતરમાં લાઈટનો થાંભલો પડી ગયો. જેના કારણે 5 પશુઓ જીવતા વાયરને અડકી જતાં મોતને ભેટ્યા છે. જેને લઈ પશુપાલકોમાં રોષ ફેલાયો છે. આવી ઘટનાઓ આજની નથી, વર્ષોથી ખેતરોમાં જીવંત વાયરોએ ઘણી દૂર્ઘટનાઓ સર્જી છે, ન માત્ર ખેડામાં પણ સમગ્ર ગુજરાતમાં પણ.
સદનસીબે શાળામાં રજા હતીઃ ખેડામાં Biparjoy Cycloneએ સ્કૂલની હાલત ખંડેર કરી નાખી
‘કેમ કોઈ વહેલુ ના આવ્યું, મારી ભેંસો પાછી આપો’ આંસુ સાથે મહિલાના શબ્દોથી ગમગીની
મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે વરસાદ કરતા પણ વધારે તિવ્ર ગતિએ પવન ફુંકાતા મોટું નુકસાન થયું છે. નડિયાદ શહેરમાં રાજેન્દ્રનગર વિસ્તાર પાસે આવેલ મોખા તલાવડીના ખેતરમાં આશરે બાર વાગ્યાની આસપાસ પશુપાલકે પોતાની ભેંસો ખેતરમાં ચરાવવા મુકી હતી. આ દરમિયાન ખેતરમાં સીમેન્ટનો વીજ પોલ એકાએક ધરશાઈ થતાં ચાલુ વીજ લાઈન નીચે જમીન પર પડી હતી. આ વીજ લાઈનને પશુઓ અડકી જતાં મોતને ભેટ્યા છે. જેમાં 2 ભેંસ, 2 શ્વાન અને એક પાડીનો સમાવેશ થાય છે. પશુપાલકને આજીવીકા માટે આ એક જ સાધન હોય આ પરિવાર પર ભારે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. જેમને ભેંસ મરી છે એ બહેને રોકકળ કરી મૂકી હતી અને કેમ કોઈ વહેલુ ના આવ્યું કહી ભેંસો પાછી આપવાની માંગ કરી હતી. તેના આંસુઓ તેની લાચારીને વ્યક્ત કરી રહ્યા હતા. આ આંસુઓ સાથેના તેના શબ્દો તેના આવનારા ભાવીને આંકીને વાતનો મર્મ જણાવી રહ્યા હતા.
ભણેલા વીજ અધિકારીઓ ગંભીરતાને સમજી ના શક્યા
પશુપાલકના જણાવ્યા પ્રમાણે જેવો થાંભલા પડ્યો તેવી અમે નડિયાદ વીજ અધિકારીઓને જાણ કરી હતી. પરંતુ તે લોકો 3 વાગ્યા સુધી પણ ડોકાયા નહોતા અને 3 વાગ્યા પછી આ પશુઓ ચરતા, ચરતા અડકી જતાં મોતને ભેટ્યા છે.
શું કહે છે પીડિત પરિવાર
જીતુ ભાઇ તળપદાના જણાવ્યા અનુસાર,” અમે શાકભાજી વેચીને ગુજરાન ગુજારીએ છીએ. અમારી ભેંસો ખેતરમાં વેણી ખાવા છોડેલી હતી અને લાઈટનો થાંભલો પડ્યો, એટલે મારા કાકાના છોકરાએ જીઇબીની અંદર રૂબરૂ જઈને કમ્પ્લેન નોંધાઈ હતી. તે છતાંય જીઈબી બોર્ડ દ્વારા કોઈ આવ્યા નહીં. આવ્યા નહીં એટલે અમારી ભેંસો સીધી વાયર પર જઈને ચોંટી ગઈ હતી. અમારી ભેંસો વાવવાની હતી (ગર્ભાવસ્થા), અને મરી ગઈ છે. અમારી એવી માંગણી છે કે કલેક્ટર સાહેબને કે જીઈબી બોર્ડને અમારી જેવી ભેંસો મરી ગઈ છે, એવું જ વળતર અમને પાછું મળે. અમારું જીવન જ આ ભેંસો ઉપર હતું. તે મરી ગઈ છે. એક પાડો મરી ગયો છે અને બે કુતરા મરી ગયા છે. અમારી માગણી એ જ છે કે અમારું જેવું નુકસાન થયું છે, અમને વળતર આપે. આ જીસીબીની બેદરકારીથી મોત થયું છે. જો અમે કમ્પ્લેન કરી અને તે સમયસર આવી ગયા હોત તો આ નુકસાન ન થયું હોત. લાખ લાખ રૂપિયાની ભેંસો હતી. અમને ભેંસો લઈ આપે અથવા તો અમને પૈસાનું વળતર આપે બીજુ અમારે કશું જોઈતું નથી. અમે ભેંસો પર ખાતા હતા અત્યારે મારા પત્નીની હાલત રડી રડીને ખરાબ થઈ ગઈ છે.
અશોકભાઈ તળપદા ના જણાવ્યા અનુસાર ,” આ રાજેન્દ્ર નગરની બાજુમાં ખેતરમાં વિસ્તાર છે. અહીંયા લાઈટનો થાંભલો પડી ગયો છે અને લાઈટનો થાંભલો પણ એકદમ ખરાબ હતો. આ થાંભલો પડી જવાથી આશરે 12:30 વાગે થાંભલો પડી ગયો. જાતે અમે જઈને અરજી આપી કે લાઈટનો થાંભલો પડી ગયો છે અને લાઈન ચાલુ છે. તો લાઈન કટ કરી જાવ. પણ લાઈન કટ ન કરવા આવ્યા. અઢી ત્રણ વાગ્યા સુધી લાઈન કટ કરવા ના આવ્યા. અમે બહાર હતા ત્યાં સુધી કશું ના થયું. પણ વરસાદ પડ્યો એટલે અમે ઘરમાં ગયા અને ઘરમાં ગયા પછી ભેંસો ચારતી ચારતી આવી અને ભેંસો આ લાઈનમાં ચોંટી ગઈ. ભેંસોને થોડી ખબર પડે કે લાઈટ પડી છે, વાયરો પડ્યા છે? એટલે ભેંસો ચોંટી ગઈ. આમાં બે કુતરા મરી ગયા છે, બે ભેંસો અને એક પાડો મરી ગયો છે. અમારે હવે એવી માંગણી છે કે જે આ ભેંસો ઉપર અમે જીવન ગુજારતા હતા, તો ભેંસોમાં જે મરી ગઈ એનું અમને વળતર મળે કાં’તો અમને ભેંસો જેવી છે એવી આપે.
મહત્વનુ છે કે, બિપોરજોય વાવાઝોડાના કારણે નડિયાદ પાસે ખેતરમાં લાઈટનો થાંભલો પડતા 5 પશુઓ અડકી જતાં મોતને ભેટ્યા છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં કાચા મકાનોની દિવાલ પડવાના 57 બનાવો અને 84 વીજ પોલ તૂટી ગયા હોવાની માહિતી જિલ્લા કંટ્રોલમાંથી મળી છે. આ ઘટનામાં ક્યાંક મધ્ય ગુજરાત વીજ બોર્ડની પણ બેદરકારી હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT