હેતાલી શાહ.ખેડાઃ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ નડિયાદ આવવાના હોય નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નડિયાદમાં ચાલતો નગરપાલિકાના ભ્રષ્ટાચાર અંગે આવેદનપત્ર પાઠવવા ભેગા થઈ શાંતીથી જઈ રહ્યા હતા. દરમિયાન નડિયાદ પોલીસ દ્વારા કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી તમામને નજરકેદ કરાતા કોંગ્રેસ દ્વારા પાલીકાતંત્ર પર આક્ષેપ કરાયો અને રાજકીય ઈશારે પોતાનો ભ્રષ્ટાચાર છૂપાવવા આતંકવાદી હોય એવો વ્યવહાર કરાયો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ દ્વારા કરાયો છે.
ADVERTISEMENT
વિરોધ પક્ષ પર છેલ્લા કેટલાક વર્ષોથી થતી આ પ્રકારની કાર્યવાહી
નડિયાદમાં આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમગ્ર ભારતભરના શ્રમિકો માટે કલ્યાણકારી યોજનાનો શુભારંભ કરવામાં આવવાના હોય, આ કાર્યક્રમ દરમિયાન નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના ભ્રષ્ટાચાર અને નગરજનોને સતાવતા પ્રશ્નોની રજૂઆત કરવા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરો કાર્યક્રમ સ્થળે પહોંચે એ પહેલાં જ થોડે દુરથી તમામ કાર્યકરોની અટકાયત કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આવું જ વિપક્ષ અને વિરોધ કરનારાઓ સામે છેલ્લા કેટલાક સમયથી થઈ રહ્યું છે. વિરોધ ક્યાંય જોવા ના મળે, નારાજગી હોય પણ દેખાય નહીં તે માટેના આ પ્રકારના કામો કાર્યવાહીના ભાગ રૂપે સતત જોવા મળી રહ્યા છે.
કર્ણાટકમાં જૈન મુનિ કામકુમાર નંદી મહારાજની હત્યા, બુધવારથી હતા ગુમ
એવી તો કઈ વિગતો હતી આ આવેદન પત્રમાં?
કોંગ્રેસ દ્વારા નડિયાદમાં પાલીકા તંત્ર દ્વારા કેવો ભ્રષ્ટાચાર થયો છે તે અંગે આવેદનપત્ર પાઠવવાનું હતું. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, રાજ્ય સરકાર શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ નડિયાદ નગરપાલિકાને પાયાની મૂળભૂત સુવિધાઓ માટે તથા રોડ રસ્તાના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપે છે છતાં નડિયાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને શીડ્યુલ કાસ્ટ (SC), અન્ય પછાત વર્ગો (OBC) અને માઇનોરીટી (મુસ્લિમ – ખ્રિસ્તી – સિંધી વગેરે.. વગેરે…) સમુદાયના લોકો જયા વસવાટ કરે છે, તેવા વિસ્તારોમાં હજુ આજેય પણ પાયાની મૂળભૂત સુવિધાઓનો અભાવ વર્તાય છે. શહેરીજનોની સુખાકારી માટે તથા શહેરના સમતોલ વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી નડિયાદ નગરપાલિકાને દર વર્ષે શહેરી વિકાસની વિવિધ યોજનાઓ હેઠળ તથા રોડ – રસ્તાના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવે છે. તેનો નગરપાલિકાના અધિકારીથી માંડીને લોક પ્રતિનિધિઓ તથા કોન્ટ્રાકટરો ક્યાં અને કેટલો દુરુપયોગ કરે છે તેની રાજયના પ્રહરી તરીકે આપ નિષ્પક્ષ તપાસ કરાવશો તો આપને ખ્યાલ આવશે કે નડિયાદ નગરપાલિકાનો વહીવટ ભ્રષ્ટાચારથી કેટલો ખદબદે છે. રાજ્ય સરકારે નડિયાદ નગરપાલિકાને તથા લોક પ્રતિનિધિને છેલ્લા પાંચ વર્ષમાં રોડ – રસ્તાના તમામ પ્રકારના કામો માટે કુલ્લે કેટલી રકમની ગ્રાન્ટ ફાળવી આપી છે અને નડિયાદ નગરપલિકાએ તથા લોક પ્રતિનિધિઓએ એ ગ્રાન્ટનો કોન્ટ્રાક્ટરો સાથે મળીને કેટલો અને કેવો દુરુપયોગ કર્યો છે કે કેમ? તેની નડિયાદ નગરપાલિકા તથા રાજયના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નડિયાદમાં રોડ – રસ્તાના જે કામો કરવામાં આવ્યા છે તે રસ્તાઓની આજે શું સ્થિતિ છે તેની ઉચ્ચ કક્ષાની તપાસ એજન્સી મારફત નિષ્પક્ષ તપાસ કરાવશો તો આપને જણાઇ આવશે કે બધાએ ભેગા મળીને પોત પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા નડિયાદ શહેરની જનતાનો દ્રોહ કર્યો છે.આ ઉપરાંત સ્વચ્છ ભારત મિશન હેઠળ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નડિયાદ નગરપાલિકાને ભૂગર્ભ ગટર અને સ્વચ્છતાના વ્યવસ્થાપન માટે અનેકગણી ગ્રાન્ટ ફાળવી આપતી હોવા છતાં શહેરમાં ભૂગર્ભ ગટર અને સ્વચ્છતાના વ્યવસ્થાપનમાં જેટલો વધારો થવો જોઇએ તેટલો વધારો થતો ના હોઇ ગંદા પાણીનો સહેલાઇથી અને યોગ્ય નિકાલ થતો નથી, ઠેર ઠેર ગંદકી અને કચરાના ઢગલાં ખડકાયેલા જોવા મળે છે, વરસાદી પાણીના નિકાલ માટે તળાવો અને કાંસની સમયાંતરે યોગ્ય અને પૂરતી સાફ – સફાઇ થતી ના હોઇ તળાવો અને કાંસમાં પારાવાર વનસ્પતિ – અને ગંદકીના થર જોવા મળે છે. ત્યારે અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નડિયાદ નગરપાલિકાને કચરા મુક્ત અને પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા દર વર્ષે સ્વચ્છ ભારત મિશન હેઠળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે તે વપરાય છે ક્યાં? તેની ઉચ્ચ કક્ષાની તપાસ એજન્સી મારફત નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ શકે તેમ હોઇ નડિયાદ શહેરની જનતાના હિતમાં, પક્ષાપક્ષીથી પર નિષ્પક્ષ તપાસ કરાવવા માંગણી કરું છું. નડિયાદના પ્રગતિનગરનો પણ ઘણો ગંભીર પ્રશ્ન છે 18 માસમાં હજારો લોકો રહી શકે તેવા એક હજાર મકાન બનાવીને આપવાનો સરકારી અમલદારો અને લોકલ નેતાઓ દ્વારા લોકોને વિશ્વાસ આપવામાં આવેલ હતો. તેની સાથે પણ આજે પાંચ પાંચ વર્ષ હોવા છતાંય વિશ્વાસઘાત કરેલો છે હજારો લોકો આજે પણ ઘરવિહોણા છે.
રાજકીય ઈશારે ધરપકડના આક્ષેપ, મંજુરી છતા અટકાયત?
જોકે કોંગ્રેસ દ્વારા આ તમામ બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવે તે પહેલાં જ તમામ કાર્યકરો હોદેદારોને નજરકેદ કરી દીધા. જેને લઈ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે કહ્યું કે, ” હું કોઈ આતંકવાદી નથી. નડિયાદ શહેરના સળગતા પ્રશ્નોની રજૂઆત કરવા માટે જતો હતો. પોલીસ દ્વારા નડિયાદ શહેરના રાજકીય ઈશારે ધરપકડ કરવી યોગ્ય નહોતી. સાબિત કરી દીધું કે ભ્રષ્ટાચાર તો છે જ નડિયાદ નગરપાલિકાનો, તોજ મારી ધરપકડ કરી હોય. અગાઉ આ મામલે અમે પોલીસ તંત્રને પણ જાણ કરી હતી અને મંજૂરી મેળવી હતી. આમ છતાં રાજકીય ઈશારે અમારી ધરપકડ કરાઈ છે અને ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવી દીધા.
ADVERTISEMENT