Kheda News: ખેડા જિલ્લાના નડિયાદમાં ભાજપના કાઉન્સિલરના પુત્રની દાદાગીરીનો મામલો સામે આવ્યો છે. પિતાની રાજકીય વગનો દુરુપયોગ કરતા વિવેક પટેલ નામના શખ્સે મહિલાના ખેતરમાં બનેલી ઓરડી તોડી નાખી હતી. આટલું જ નહીં મહિલાને અપશબ્દો કહીને લાફા પણ માર્યા હતા. જે બાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં કાઉન્સિલરના પુત્ર વિવેક પટેલ તથા અન્ય એક યુવક સામે ફરિયાદ નોંધાઈ છે.
ADVERTISEMENT
ખેતરમાં બનાવેલી મહિલાની ઓરડી તોડી
વિગતો મુજબ, નડિયાદમાં નવી મીલના ઝાંપા સામે રહેતા ભાનુબેન પટેલની નડિયાદના સંતરામ ડેરી રોડ પર જમીન આવેલી છે. જે હાલ પડતર હાલતમાં છે. જમીન પર વર્ષોથી પતરાવાળું પાકી ઈંટોની દિવાલવાળું છાપરું હતું. આ જમીનની બાજુમાં નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર અને પ્લાનિંગ કમિટીના ચેરમેન વિજય પટેલની જમીન છે. ભાનુબેનને માહિતી મળી કે તેમની જમીન પરની ઓરડી વિજય પટેલના દીકરા વિવેક પટેલે તોડી નાખી છે. આથી તેઓ ત્યાં પહોંચ્યા હતા ત્યારે વિવેક પટેલ અને યોગેશ પટેલ ત્યાં હાજર હતા. જેમણે, આ જમીન અમારી છે એટલે અમે જેસીબીથી ઓરડી તોડી નાખી છે એમ જણાવ્યું. જોકે ભાનુબેને કહ્યું કે, જમીન અમારી માલિકની છે. મને પૂછ્યા વગર ઓરડી તોડી એટલે હું પોલીસ ફરિયાદ કરવા જઉં છું.
કાઉન્સિલરના પુત્રએ લાફા માર્યા
દરમિયાન વિજય પટેલે તેમને રસ્તામાં રોકીને માફી માંગી અને પોતાના પૈસાથી ઓરડી બનાવી આપવાની વાત કરતા તેમણે ફરિયાદ ન કરી. બાદમાં ગુરુવારે બપોરે યોગેશ મારવાડી નામના બિલ્ડરે ભાનુબેનના પતિને ફોન કરીને બોલાવ્યા. જેથી ભાનુબેન અને તેમના પતિ સુરેશભાઈ ત્યાં ગયા તે વખતે ઓરડી બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન વિવેક પટેલે ઉશ્કેરાઈને ભાનુબેનને લાફા મારી દીધા હતા.
હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી
આ બાદ વિવેકે અપશબ્દો કહીને ધમકી આપી હતી કે, હવે પછી જો આ જમીન પર પગ મૂક્યો છે કે જીવતી નહીં જવા દઈએ, અત્યારે તો ખાલી ઓરડી જ પાડી છે. હવે તમારી આખી જમીન પચાવી પાડીશ. આમ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા બાદ દંપતી ત્યાંથી જતું રહ્યું અને બાદમાં નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં વિવેક પટેલ તથા યોગેશ મારવાડી સામે ફરિયાદ નોંધાવી હતી.
(ઈનપુટ: હેતાલી શાહ, ખેડા)
ADVERTISEMENT