હેતાલી શાહ, નડિયાદ : રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન નડિયાદમાં મહિલાની જાહેરમાં હત્યાની ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ નવરંગ ટાઉનશીપમાં પતિએ જ પત્નીની હત્યા કરી.ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો છે.
સાત જન્મ સાથે રહેવાનું વચન આપનારે જ મહિલાને મોતને ઘાટ ઉતારી છે. એક તરફ ઘરેલુ હિંસાના બનાવો બની રહ્યા છે. ત્યારે હવે મામલો મોતને ઘાટ ઉતારી દેવ સુધી પહોંચ્યો છે. પતિ એ જ પોતાની પત્નીની જાહેરમાં હત્યા કરી છે. પતિએ જ પત્નીની કરૂણ હત્યા કરતા આસપાસના વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.
પતિ રસિકભાઈ નિવૃત મદદનીશ ફોરેસ્ટર
47 વર્ષીય નિમિષાબેન રસિકભાઈ પરમાર ગુજરાતના ખેડા જિલ્લાના પશ્ચિમ ભાગમાં આવેલા નડિયાદના નવરંગ ટાઉનશીપ વિસ્તારમાં રહે છે, જેમના લગ્ન આશરે 20 થી 25 વર્ષ પહેલા ખેડા જિલ્લાના વસોના રહેવાસી રસિકભાઈ પરમાર સાથે થયા હતા. અને તેમનો પુત્ર વિદેશમાં રહે છે. નિમિષાબેન અને રસિકભાઈ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ હતો, આ ઝઘડો કોર્ટ સુધી પહોંચ્યો હતો. નિમિષાબેને કોર્ટમાં કલમ 498 હેઠળ ભરણપોષણનો કેસ કર્યો હતો. નિમિષાબેન ગૃહિણી છે, અને રસિકભાઈ નિવૃત્ત મદદનીશ ફોરેસ્ટર છે. આજે પતિ-પત્ની ભરણપોષણના કેસના કારણે બંને કોર્ટમાં ગયા હતા, ત્યાર બાદ અચાનક ઉશ્કેરાયેલા પતિએ પત્નીને તેના ઘરની બહારજ ગોળી મારીને હત્યા કરી નાખી અને ભાગી ગયો.
આ રીતે થઈ ઓળખ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આજે બપોરે 12 થી 1 વાગ્યાની વચ્ચે એક વ્યક્તિ એક્ટિવા લઈને અહીં આવ્યો હતો, તેણે હેલ્મેટ પહેર્યું હતું, અચાનક ફટાકડા જેવો અવાજ આવ્યો, જેના કારણે અમે બધા બહાર આવ્યા. નિમિષાબેનના ઘરથી લગભગ 25 ફૂટના અંતરેથી તે વ્યક્તિએ ફાયરિંગ કર્યું.અને ભાગવા જ જતા હતા, ત્યારે તેનું હેલ્મેટ પડી ગયું જેનાથી બધાએ ઓળખી લીધો કે તે તેનો પતિ રસિકભાઈ છે. હાલ તો સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતક નિમિષાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. અને મૃતક નિમિષાબેનની માતાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જાણો શું કહે છે પોલીસ તંત્ર
ડીવાયએસપીવીએન સોલંકીના જણાવ્યા મુજબ, નિમિષાબેન નડિયાદના નવરંગ ટાઉનશીપના મકાન નંબર 1માં રહે છે. અને રસીકભાઈના પત્ની છે, પતિએ ગોળી મારીને હત્યા કરી છે. જેના કારણે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે. હવે તેની માતાની પુછપરછ ચાલુ છે. જો કે પ્રાથમિક તપાસભા પતિ-પત્ની વચ્ચેના પરસ્પર અણબનાવના કારણે આ હત્યા થઈ હોવાનુ સામે આવ્યો છે. પરંતુ પૂછપરછ પત્યા બાદ તમામ બાબતો સામે આવશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…