હસમુખ પટેલ.સાબરકાંઠાઃ સામાન્ય રીતે શૈક્ષણિક સિદ્ધિ મેળવવા માટે સશક્ત મનની સાથોસાથ સશક્ત શરીર પણ જરૂરી છે. જોકે ક્યારેક અસાધ્ય બીમારી હોવા છતાં મજબૂત મનોબળ શ્રેષ્ઠતમ સિદ્ધિ પ્રાપ્ત કરાવે છે. વાત છે સાબરકાંઠાના ઈડરની, કે જ્યાં સેરેબ્રલ પાલસી નામની બીમારીથી પીડિત વિદ્યાર્થીએ સમગ્ર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી સમગ્ર ગુજરાત માટે ઉદાહરણ સ્વરૂપ બન્યો છે.
ADVERTISEMENT
સાબરકાંઠાના ઇડરમાં સેરેબ્રલ પાલસી નામની બીમારીથી પીડિત ક્રિસ અતુલકુમાર મહેતાએ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 700 માંથી 547 ગુણ મેળવી 94.4% પર્સન્ટાઈલ રેન્ક સાથે ઈડર તાલુકામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. જોકે શારીરિક રીતે તદ્દન અન્ય વ્યક્તિ ઉપર ક્રિશ મહેતા આધારિત રહેવા છતાં ડિજિટલ યુગના પગલે લેપટોપ અને આઇપેડના ઉપયોગથી સતત અને સખત મહેનત કરતા આખરે ઈડર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવામાં સફળ બને છે. જોકે સેરેબ્રલ પાલસી નામની બીમારી પ્રતિ 2000 બાળકોએ એક વ્યક્તિને થતી માનસિક બીમારી છે. જે ગર્ભાધાનથી જન્મના ત્રણ માસ સુધીમાં થતી હોય છે. તેમજ ભારતમાં દર વર્ષે દસ લાખથી વધારે બાળકો આ રોગથી પીડિત હોય છે. ત્યારે સામાન્ય રીતે આ રોગના ભોગ બનતા બાળકોને પરિવાર સહિત સ્થાનિક સમાજ દ્વારા માનસિક રોગી ગણી અભ્યાસથી દૂર કરવામાં આવે છે. જોકે પારિવારિક સ્નેહ અને સહયોગ મળે તો આવા બાળકો પણ સમાજમાં માનભેર જીવન જીવી શકે છે. હાલના તબક્કે ઈડર તાલુકામાં પ્રથમ ક્રમ મેળવ્યા બાદ ક્રિશ મહેતા આગામી સમયમાં અમેરિકા જઈ google માં નોકરી મળે તેટલું અભ્યાસ કરવાની ખેવના ધરાવે છે. તેમજ ઈડર તાલુકામાં પ્રથમ નંબર મેળવતા ખુશીની લાગણી અનુભવી રહ્યા છે.
વિદ્યાર્થી ક્રિશ મહેતાએ શું કહ્યું?
કહેવાય છે કે, એક માતા 100 શિક્ષકોની ગરજ સારી છે. તેમજ એક શિક્ષક સો માતાઓની ગરજ સારે છે અને જ્યારે શિક્ષક અને માતા બંને સહિયારો પ્રયત્ન કરે તો ક્રિશ મહેતા તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવી શકે છે. જોકે સેરેબ્રલ પાલસી નામના રોગથી પીડિત ક્રિશ મહેતાને માતા અને શિક્ષિકા તરફથી પ્રાપ્ત થયેલા સહયોગના પગલે આજે ધોરણ 12માં તેઓ તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવામાં સફળ બન્યા છે. આ તબક્કે ક્રિશ મહેતાની માતાએ જણાવ્યું હતું કે, ક્રિશ જન્મથી જ આ રોગનો ભોગ બન્યો હતો જેના પગલે તેનું જીવન જન્મથી જ અન્ય વ્યક્તિઓ ઉપર આધારિત બન્યું હતું. જોકે માનસિક બુદ્ધિ ક્ષમતા અન્ય બાળકો કરતા વિશિષ્ટ હોવાના પગલે તેને અભ્યાસ માટે સૌથી વધુ રુચિ હોવાના પગલે આઇપેડ સહિતના ડિજિટલ ગેજેટનો સહારો મેળવી તાજેતરમાં લેવાયેલી ધોરણ 12 ની પરીક્ષામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવવામાં સફળ બન્યા છે. તેમજ અન્ય પરિવારજનો માટે પણ આવા બાળકોને પારિવારિક સ્નેહ આપી શ્રેષ્ઠતા અપાવવા રજૂઆત કરી છે. જોકે આ તબક્કે ક્રિશ મહેતાના શિક્ષિકાએ જણાવ્યું હતું કે, ક્રિશ અન્ય વિદ્યાર્થીઓ કરતા માનસિક બુદ્ધિ ક્ષમતામાં વધારે હોશિયાર છે. તેમજ તેણે મેળવેલી સિદ્ધિ એ ઈડર કે સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાત માટે અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડે તેમ છે. શારીરિક રીતે અસક્ષમ હોવા છતાં માનસિક સક્ષમતાથી તેને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે મન હોય તો માળવે જવાય તે યુક્તિ ચરિતાર્થ કરતા તેને સેરેબ્રસ પાલસી નામની બીમારીથી પીડિત તમામ બાળકો માટે સફળતાની પ્રેરણા પૂરી પાડી છે જે અમારા માટે પણ ગૌરવ રૂપ બાબત છે.
આવો જાણીએ માતા દર્શનાબેન મહેતા અને શિક્ષિકા મનીષાબેન ગાંધી શું કહે છે.
સમગ્ર તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર ક્રિશ મહેતા અસાધ્ય ગણાતી સેરેબ્રલ પાલસી નામની બીમારીથી પીડિત હોવા છતાં ગુજરાત માટે પ્રેરણા આપી શકે તેમ છે. ત્યારે અન્ય વિદ્યાર્થીઓ ક્રિશ મહેતાની જેમ માનસિક રીતે મજબૂત બને તો તેઓ પણ વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે તેમ છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષાઓમાં પાસ થઈ શક્યા નથી તે વિદ્યાર્થીઓએ પણ અહીં નિરાશ થવાની જરુર નથી. જો ક્રિશ સફળ થઈ શકે છે તો તમે પણ થઈ શકો છો, બસ મક્કમ મનોબળથી પોતાની સિદ્ધી માટે પ્રયત્નો કરવાની જરૂર છે.
ADVERTISEMENT