Kutch News: દરેક સ્ત્રી માટે તેનું સંતાન સર્વોપરી છે. કેટલીય મા એવી હોય છે જે પોતાના બાળક માટે પોતાનો જીવ પણ ત્યાગી દેવા માટે તૈયાર થતી હોય છે, પરંતુ આજે મધર્સ ડેના દિવસે સોશિયલ મીડિયા પર એક એવી માતાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને કોઈનું પણ લોહી ઉકળી ઉઠે. આજે મધર્સ ડેના દિવસે માની ક્રુરતાનો વીડિયો વાયરલ થયો છે. જેમાં માતા તેની બાળકીનું ગળું દબાવીને ઢોર માર મારતી જોવા મળી રહી છે. હાલ સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
જનેતા સામે નોંધાઈ ફરિયાદ
ભુજના માધાપર પોલીસ મથકે જનેતા સામે દીકરીને ઢોર માર મારવાની ફરિયાદ નોંધાઈ છે. માસુમ દીકરીનો શ્વાસ ના થંભે ત્યાં સુધી સગી જનેતાએ ગળુ દબાવીને તાવેથાથી માર માર માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દીકરી રડતા રડતા કહી રહી છે કે મમ્મી હવે નહીં કરું, હવે નહીં કરું. પણ માતા જરાય રહેમ દર્શાવી રહી નથી.
બાળકીના પિતાએ નોંધાવી ફરિયાદ
આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તો આ વચ્ચે બાળકીના પિતા રાહુલ મહેશ્વરીએ પૂર્વ પત્ની પ્રિયંકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ આજથી બે વર્ષ પહેલાં માધાપરના આંબેડકર નગરમાં રાહુલ અને પ્રિયંકા સાથે રહેતા હતા. બાદમાં રાહુલ (ફરિયાદી) અને પ્રિયંકા (આરોપી)ના છૂટાછેડા થઈ ગયા હતા.
2 વર્ષ જૂનો છે બાળકીને માર મારતો વીડિયો
બાળકીને માર મારતો વીડિયો 2 વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે જે તે સમયે તેઓએ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ હવે વીડિયો વાઈરલ થતાં આ ફરિયાદ મોડી નોંધાવી હોવાનું ફરિયાદમાં નોંધાવ્યું હતું.
તેલ ઢોળાતા બાળકીને માર્યો હતો માર
તેઓએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની 9 વર્ષની પુત્રીથી ઘરમાં તેલ ઢોળાઈ ગયું હતું. બસ આટલી નાની બાબતમાં પણ આરોપીએ બાળકીને તાવીથાથી ઢોર માર માર્યો હતો. આ મામલે માધાપર પોલીસે મધર્સ ડેની પૂર્વ સંધ્યાએ પુત્રીને માર મારવા બદલ માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાલ પોલીસે બાળકીને માર મારનાર નિષ્ઠુર માંને ઝડપી પાડવાની તૈયારી હાથ ધરી લીધી છે.
ADVERTISEMENT