હિતેશ સુતરિયા.અરવલ્લીઃ શું થાય કે જ્યારે બાળકને જન્મના જ ઘડી ભરમાં પોતાને જન્મ આપનાર મોતને હવાલે કરી દે? શું થાય જ્યારે ઘડી ભરમાં જન્મ આપનારનો જ હાથ માથેથી જતો રહે? આ અનુભવ ઘણા અનાથો માટે કેટલો પીડા દાયક હોય છે તે આપણે કદાચ ના પણ સમજી શકીએ પણ તેમના માટે દરેક દિવસ આ પીડાની વચ્ચેથી પસાર થતો હોય છે. ઘણી વખત થાય કે કુદરત પણ કેવા કેવા રંગ દેખાડે છે જ્યાં આજે એક તરફ અંબાણી પરિવારમાં લક્ષ્મીના જન્મથી ખુશીનો માહોલ છે ત્યાં અહીં એક લક્ષ્મીને મરવા માટે છોડી દેવાઈ છે. અરવલ્લી જિલ્લામાં નવજાત બાળકને બિનવારસી હાલતમાં તરછોડી દેવાની એક ઘટના સામે આવી છે. માલપુર તાલુકાના અણીયોર રોડ પર આવેલા મુખીના મુવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરનાં શેઢા નજીક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું. બાળક હજુ જન્મના ત્રણ ચાર કલાક જ થયા હતા અને ત્યજી દેવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
પારકાઓએ બાળકીને સાચવી, પોતાનાઓએ ત્યજી
અરવલ્લીના અણીયોર નજીકના મુખીના મુવાડા ગામની સિમમાં આવેલા ખેતર નાં શેઢા પર વહેલી સવારે સાત વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી વાળવા ગયેલા ખેડૂત પરિવારે શેઢા પર નવજાત શિશુ જોયું હતું. આ બાળક તાજુ જ જન્મેલું હોવાનુ જણાઈ આવતા ખેડૂત પરિવારની મહિલાએ બાળકની સાફસફાઈ કરી તાત્કાલિક 108 સેવાને જાણ કરી હતી. 108 આવતા ખેડૂત પરિવારની મહિલાઓ બાળકીને લઈ માલપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પહોંચી હતી. જ્યાં તાજી જન્મેલી બાળકીની હાલત જોઈ એમ્બયુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી.
સનાજી તરાર (ખેડૂત)
રણજિતસિંહ (ડે. સરપંચ)
સાર્વજનિક હોસ્પિટલમાં લાવવામાં આવેલી બાળકીની હાલત જોઈ પીડિયા ટ્રીક ડોક્ટર નીલ પટેલની સીધી દેખરેખ હેઠળ સારવાર શરૂ કરવામાં આવી હતી. બાળકીને હોસ્પિટલ લાવવમાં આવી ત્યારે ઓક્સિજન લેવલ માત્ર 10 પીએચ જેટલું જ હતું પરંતુ બાળકીને વેન્ટિલેટર પર મુકવામાં આવ્યા બાદ ઓક્સિજન લેવનું 95 પીએચ એ પહોંચ્યું હતું. હાલ બાળકીની હાલત સ્થિર હોવાનું ડોક્ટર દ્વારા જણાવાયું હતું.
ADVERTISEMENT