કચ્છમાં Amulની છાશ, દૂધ અને દહીંનું સેવન કર્યા બાદ 450થી વધુને ફૂડ પોઈઝનિંગ? તપાસના આદેશ અપાયા

કૌશિક કાંઠેચા/કચ્છ: સામાન્ય રીતે ઝાડા થાય ત્યારે તબીબો દ્વારા દર્દીને દહીં-છાશ લેવાની સલાહ આપવામાં આવે છે પણ કચ્છમાં દૂધમાંથી બનેલા દહીં અને છાશ થકી જ…

gujarattak
follow google news

કૌશિક કાંઠેચા/કચ્છ: સામાન્ય રીતે ઝાડા થાય ત્યારે તબીબો દ્વારા દર્દીને દહીં-છાશ લેવાની સલાહ આપવામાં આવે છે પણ કચ્છમાં દૂધમાંથી બનેલા દહીં અને છાશ થકી જ લોકોને ડાયેરિયા થયા હોવાનું સામે આવ્યું છે. દૂધની બનાવટોમાં મોટાપાયે ફૂડ પોઈઝનિંગની આશંકા છે. છેલ્લા બે દિવસમાં ઝાડાના મોટા પ્રમાણમાં કેસ સામે આવતા અમૂલે બજારમાંથી માલ પણ પરત ખેંચી લીધો હોવાનું જાણવા મળ્યું છે.

દૂધ-છાશ પીધા બાદ ફૂડ પોઈઝનિંગનો અહેવાલ
આ બાબતે જ્યાંથી સમગ્ર કચ્છમાં માલ સપ્લાય થાય છે તે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન વલમજી હુંબલનો ગુજરાત Tak દ્વારા સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉપાડ્યો નહોતો. હાલમાં ગુજરાત Tak અમૂલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, વિગતો મળતા સ્ટોરી અપડેટ કરવામાં આવશે. કચ્છમાં એકાએક અનેક વિસ્તારોમાં ઝાડાના કેસ જોવા મળતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે પણ હકીકત તપાસતા સામે આવ્યું કે,અમૂલની દૂધ-દહીં અને છાશ પીવાના કારણે લોકોને ઝાડા થયા છે. શનિવાર અને રવિવારે સપ્લાય કરવામાં આવેલા માલમાં ગરબડ જણાઈ છે. જે-જે સ્થળોએ આ માલ ગયો છે અને જેઓએ અમૂલના દૂધ-દહીં અને છાશનું સેવન કર્યું છે તેમણે પેટમાં દુખાવા બાદ ઝાડાની ફરિયાદ કરી હતી. ઘણા લોકોના ઘરમાં ઝાડાની દવા હોય છે જેથી ઘરે જ ઉપચાર અથવા તો મેડિકલ સ્ટોરમાંથી ગોળી લેતા તબિયતમાં સુધારો હતો. ઘણા લોકો ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. અમૂલની પ્રોડક્ટના સેવન બાદ જ ઝાડાના કેસ વધ્યા છે.

ભુજ એરફોર્સ, ભનાડા એરફોર્સમાં પણ કર્મચારીઓને અસર
ભુજમાં જિલ્લા ટીબી સેન્ટરની તાલીમ બાદ 25 કર્મચારીઓએ ભોજન કર્યું હતું. જેમાં અમૂલ ડેરીની છાશ પીધી હતી જે બાદ તમામને ઝાડા થયા હતા એરફોર્સમાં અમૂલ ડેરીમાંથી સીધો માલ મોકલવામાં આવે છે ત્યારે સૌથી પહેલા એરફોર્સના કર્મચારીઓ જ શિકાર બન્યા છે. જેમાં ભુજ એરફોર્સમાં 50 અને અબડાસામાં ભાનાડા એરફોર્સમાં 200 કર્મચારીઓને એકસાથે ઝાડા થઈ ગયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. મુન્દ્રાની લેબર કોલોનીમાં પણ 200 થી વધુ કેસ હોવાનું સામે આવ્યું છે. દરમ્યાન અમૂલની પ્રોડક્ટના સેવન બાદ ભુજમાં લોકોને ઝાડા થયા હોવાની ફરિયાદ ફૂડ વિભાગને મળતા સોમવારે બપોર બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

લોકોને 1 દિવસ અમૂલની પ્રોડ્કટ ન લેવા સૂચન
આ અંગે કચ્છના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું કે, જિલ્લામાંથી અનેક જગ્યાએ અમૂલ દૂધ, દહીં અને છાશ આરોગ્યા બાદ અનેક લોકોને ડાયેરિયા અને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની માહિતી મળી છે. જ્યારે અધિક જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે, અને લોકોને એક દિવસ અમૂલ પ્રોડક્ટ્સ લેવાનું ટાળે અથવા ચેક કરી લેવા અપીલ કરીએ છીએ.

    follow whatsapp