અમદાવાદ: ગુજરાતમાં કોરોનાની મહામારી બાદથી અચાનક હાર્ટ એટેકના કેસોમાં વધારો થયો છે. ગઈકાલે જ રાજકોટમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું. તો બે દિવસ પહેલા નવસારીમાં 17 વર્ષની વિદ્યાર્થિનીનું સ્કૂલમાં સીડી ચડતા હાર્ટ એટેક આવ્યો અને મોત થઈ ગયું. આવા અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં ક્યારેક ગરબા રમતા, ક્રિકેટ રમતા, રોડ પર ચાલતા જતા હાર્ટ એટેક આવ્યો અને પળવારમાં પ્રાણ પંખેરું ઉડી ગયું. આ વચ્ચે 108 ઈમરજન્સી સેવાને મળતા કોલ્સના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.
ADVERTISEMENT
4 મહાનગરોમાં દૈનિક કોલ વધ્યા
ગુજરાતમાં એપ્રિલથી જૂન સુધીના 3 મહિનામાં જ હાર્ટ એટેકના 15 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તેમાં પણ અમદાવાદમાં કોરોના બાદ ઈમરજન્સી કોલ્સમાં 56 ટકા જેટલો વધારો થયો છે. માત્ર 4 મહાનગરોમાં હાર્ટ એટેકના આંકડા પર નજર કરીએ તો તે પણ ચિંતાજનક છે. ઈમરજન્સી મેડિકલ સેવા માટે કાર્યરત 108ને મળતા કોલ્સ મુજબ અમદાવાદમાં વર્ષ 2021-22માં દૈનિક સરેરાશ 35 જેટલા કોલ આવતા હતા. ત્યારે આજે ચાલુ વર્ષે તેમાં વધારો થતા દૈનિક સરેરાશ 52 જેટલા કોલ્સ મળી રહ્યા છે. આવી જ રીત સુરતમાં પણ 2021-22માં દૈનિક સરેરાશ 8 કોલ આવતા હવે રોજના 13 કોલ આવે છે. વડોદરામાં પણ 6 કોલની સામે 9 કોલ આવી રહ્યા છે.
ICMR કરી રહ્યું છે અભ્યાસ
નોંધનીય છે કે, ગુજરાતમાં પોલીસને પણ CPRની ટ્રેનિંગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. દેશભરમાંથી આ કેન્દ્ર સરકારે હાર્ટ એટેકના ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા ICMRને તબક્કાવાર આ મામલે રિસર્ચ કરવા કહ્યું હતું.
ICMR સામે છે આ સવાલો
ICMR હૃદયરોગના હુમલામાં અચાનક વધારો અને કોવિડ-19 વેકસીનેશન સાથેના તેમના સંબંધની તપાસ કરવા માટે કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરી રહ્યું છે. જેમાં
- શું વેકસીનેશન પછી લોકો કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે?
- શું કોવિડને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સિન મૃત્યુ માટે જવાબદાર હતી?
- જે દર્દીએ કોવિડના ગંભીર તબક્કામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો તે લાંબા સમયથી તેનાથી પીડાત હતો?
40 હોસ્પિટલોમાંથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો
આ અભ્યાસ માટે નમૂના માટે ICMR એ 40 હોસ્પિટલોમાંથી ક્લિનિકલ નોંધણી વિશે માહિતી લીધી છે. આમાંથી ઘણા દર્દીઓના ડેટા પણ એઈમ્સમાંથી લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર, 14,000 લોકોના સેમ્પલ સાઈઝમાંથી 600 લોકોના મોત થયા છે.
આરોગ્ય મંત્રીએ આ વાત સ્વીકારી હતી
જણાવી દઈએ કે માર્ચ મહિનામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એક ચેનલના સમિટમાં બોલી રહ્યા હતા. આ દરમિયાન તેણે સ્વીકાર્યું કે કોરોના પછી હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. પછી તેમણે કહ્યું કે આ અંગે ચર્ચા થઈ છે અને ICMR આ મામલે અભ્યાસ કરી રહ્યું છે.
ADVERTISEMENT