મોરબી: ગુજરાતના માથે વાવાઝોડા બિપોરજોય વાવાઝોડાનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે વાવાઝોડા પહેલા ગુજરાતના દરિયા કાંઠે ભારે અસર જોવા મળી છે. બીજી તરફ રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વાવાઝોડાને પગલે 13થી 15 જૂન દરમિયાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે. જોકે તેમ છતાં ગુજરાતમાં તેની અસર વર્તાઈ રહી છે. મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે મોરબીમાં ચીમની પડતા મહિલાનું મોત નિપજ્યું છે.
ADVERTISEMENT
સીરામીક ફેક્ટરીમાં કામ કરતી મહિલાનું મોત
મોરબીમાં રંગપર બેલા રોડ પર આવેલ સીરામીક ફેકટરીમાં ચીમની માથે પડતા એક મહિલાનું મોત નિપજ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. કોયો સીરામીકમાં કામ કરતી મૂળ મધ્ય પ્રદેશની મહિલા રામકન્યાના માથા પર સ્પ્રેડાયરની ચીમની પડી હતી. જેના કારણે માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું. હાલમાં વધુ પડતા પવનના કારણે ચીમની પડી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ દ્વારકાથી 280 કિલોમીટર અને મોરબીથી અંદાજે 500થી વધુ કિલોમીટર દૂર છે. જોકે તેમ છતાં મોરબીમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને એવામાં મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. વાવાઝોડાની અસરના કારણે આ બે દિવસમાં પાંચમું મોત છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત
આ પહેલા ગઈકાલે કચ્છમાં ભારે પવનના કારણે દિવાલ ધરાશાયી થતા ત્યાં રમી રહેલા બાળકો પર પડી હતી. જેમાં 3 જેટલા બાળકો દટાઈ ગયા હતા અને બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક બાળકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ જસદણ પાસે બાઈક પર ઝાડ પડતા પરિણીતાનું મોત નિપજ્યું હતું, તો પોરબંદરમાં મોડી રાત્રે જર્જરીત મકાન ધરાશાયી થતા યુવકનું કાટમાળમાં દબાઈ જતા મોત થયું હતું.
ADVERTISEMENT