રાજેશ આંબલીયા/મોરબી: શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક સુપરમાર્કેટ નજીક વિદ્યાર્થિનીઓની છેડતી કરનારા આધેડને છોકરીઓએ ધોળા દિવસે તારા બતાવી દીધા હતા. ટ્યુશને જતી વિદ્યાર્થિનીઓની થોડા સમય પહેલા સુપરમાર્કેટમાં છોકરાઓ દ્વારા છેડતી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો હતો. જે બાદ ફરી આ જ જગ્યાએ શાળાએ જતી વિદ્યાર્થિનીઓની આધેડ વયના શખ્સ દ્વારા છેડતી કરતા છોકરીઓ વિફરી હતી અને છેડતી કરનારાને જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. તો આરોપી સામે પોલીસે પણ ફરિયાદ નોંધી લીધી છે.
ADVERTISEMENT
છેડતી કરનારા પર વિફરી વિદ્યાર્થિનીઓ
વિગતો મુજબ, મોરબીમાં સુપરમાર્કેટ નજીક આજે સવારે વિદ્યાર્થિનીઓ સ્કૂલે જઈ રહી હતી. દરમિયાન 60 વર્ષના આધેડ વ્યક્તિ ઓઢાવજીભાઈ ઉભડિયાએ છેડતી કરતા વિદ્યાર્થિનીઓ ગુસ્સે થઈ ગઈ હતી અને જાહેરમાં જ ફડાકાવાળા કરી નાખી હતી. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે છેડતીની ઘટનાથી ગુસ્સે થયેલી છોકરીઓ આરોપી પર લાફાનો વરસાદ કરી મૂકે છે. આખરે આરોપી તેમની સામે હાથ જોડવા મજબૂર થઈ જાય છે.
પોલીસે કરી આરોપીની ધરપકડ
સુપરમાર્કેટ વિસ્તારમાં વિદ્યાર્થિનીઓની છેડતી કરનાર આરોપી સામે આઈપીસીની કલમ 354(d) અને પોકસો હેઠળ ગુનો નોંધાયો છે. વિદ્યાર્થિનીઓએ 181 અભયની ટીમને આ શખ્સને સોંપી દેતા પોલીસે આરોપી 60 વર્ષીય ઓઢાવજીભાઈ બાબુભાઇ ઉભડિયા સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી મૂળ મોરબી તાલુકાના ખેવારીયા ગામનો અને હાલ મોરબી રહેતો અને રાખડતું-ભટક્યું જીવન જીવી રહ્યો છે. માહિતી મુજબ, આરોપી અવારનવાર મહિલાઓ અને યુવતીઓની પજવણી કરતો હતો.
ADVERTISEMENT